Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પાકિસ્તાનની વધુ અેક અવળચંડાઇઃ કહ્યું ભારત સાથે સંબંધો સુધરે તેવી કોઇ શક્યતા નથી

ઇસ્લામાબાદઃ ગઈ કાલે જ પોતાના હાઈકમિશ્નરને ભારતમાંથી પરત બોલાવી લીધા બાદ પાકિસ્તાને વધુ એક અવળચંડાઈ દેખાડી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સંઘર્ષ વિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સુધરે તેવી કોઈ જ આશા નથી.

ભારતમાં પાકિસ્તાનના ડિપ્લોમેટ્સની કથિત સતામણી અને સરહદ પર થયેલા ગોળીબારમાં પીઓકેના બે નાગરિકો ઘાયલ થવાની ઘટનાના એક દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીનું આ નિવેદન આવ્યું છે.

પાકિસ્તાનના સરકારી રેડિયો ચેનલ સાથે વાતચીત કરતા વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું હતું કે, ભારત નિયંત્રણ રેખા અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સંઘર્ષ વિરામનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યું છે. આ સ્થિતિમાં બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થવાની અમને કોઈ જ આશા નથી. પાકિસ્તાને ભારતીય દળો પર સંઘર્ષવિરામ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા આ વર્ષે ભારતીય ડિપ્લોમેટ્સને અનેકવાર બોલાવ્યાં હતાં.

ગત મહિને જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે વર્ષ 2018ની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય દળોએ 190થી વધારે વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે જેમાં 13 નાગરિકો અને અન્ય 65 ઘાયલ થયાં હતાં. પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે બંને દેશો વચ્ચે વાતચીત સકારાત્મક વાતાવરણ તૈયાર કરવાની જવાબદારી પાકિસ્તાનની છે.

ભારતના ગૃહરાજ્ય મંત્રી હંસરાજ ગંગારામ આહીરે આ મહિનાની શરૂઆતમાં સંસદમાં કહ્યું હતું કે, કોઈ પણ સાર્થક સંવાદ માત્ર આતંકવાદ, હિંસા અને શત્રુતા મુક્ત વાતાવરણમાં જ શક્ય છે. આ પ્રકારનું વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. ભારત સરહદ પારથી થનારા આતંકવાદનો જવાબ આપવા માટે કડક અને નિર્ણાયક પગલા ભરવાનું યથાવત રાખશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી આસિફનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ગત કેટલાક સપ્તાહમાં ભારતીય એજન્સીઓ દ્વારા તેમના ડિપ્લોમેટ્સ તથા તેમના પરિવારોને ડરાવે છે, ધમકાવે છે અને હેરાન કરે છે.

(9:46 am IST)