Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બંધ પાણીની બોટલમાં ૯૩ ટકા નમુનામાં પ્લાસ્ટીકના અવશેષો મળ્યા

ન્‍યૂયોર્કઃ પાણીની બંધ બોટલમાં પ્લાસ્ટીકના અવશેષો મળી આવતા ચિંતા પ્રસરી છે.

 

ન્યૂયોર્ક સ્થિત ફ્રેડોનિયા વિશ્વવિદ્યાલયની સંશોધનકર્તા શેરી મેસને પોતાની એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે બોટલમાં બંધ પાણીમાં પ્લાસ્ટિકના અવશેષ મળ્યા છે. આ દાવો તેમણે દુનિયાભરની પાણીની બોટલોના નમૂના લઈને તપાસ કર્યા બાદ કર્યો છે. તેમણે કરેલી તપાસમાં જણાવવામાં આવ્યું છે કે આ બોટલ બંધ પાણીમાં 93 ટકા નમૂનામાં પ્લાસ્ટિકના અવશેષ મળ્યાં છે.

દુનિયાભરની બ્રાન્ડેડ કંપની જેવી કે એક્વા, એવિઅન, નેસ્લે પ્યોર લાઈફ અને સૈન પેલેગ્રિનો જેવી કંપનીઓ સામેલ છે. જેમાં ભારતમાં એક્વા અને એક્વાફિના ઘણી વધારે વેચાઈ છે.

મેસને આ રિપોર્ટને તૈયાર કરવા માટે ભારત ઉપરાંત 9 અન્ય દેશોમાંથી પણ પાણીના નમૂના લીધા હતાં. આ દેશોમાં ભારતના પાડોશી દેશ ચીન ઉપરાંત અમેરિકા, બ્રાઝિલ,ઈન્ડોનેશિયા, કેન્યા, લેબનાન, મેક્સિકો અને થાઈલેન્ડ સામેલ છે.

શેરી મેસને જણાવ્યું કે પ્લાસ્ટિકની બોટલ બંધ બોટલમાં પોલીપ્રોપાઈલીન, નાયલોન અને પોલીઈથાઈલીન ટેરેપથાલેટ જેવા તત્વો મળ્યાં છે. રિસર્ચરે જણાવ્યું કે આ બધાનો ઉપયોગ બોટલનું ઢાંકણુ બનાવવામાં થાય છે. આ તત્વો બોટલમાં પાણી ભરતી વખતે પાણીમાં સામેલ થઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. તેમણે જણાવ્યું કે આ અભ્યાસમાં અમને જો 65 ટકા કણ મળ્યાં છે તે હકીકતમાં તે ટુકડાના સ્વરૂપે છે ન કે ફાઈબર સ્વરૂપે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક બોટલમાં આ પ્લાસ્ટિકના કણોની સંખ્યા ઝીરોથી લઈને 10,000થી વધુ હોય શકે છે.

શોધકર્તાના આ અભ્યાસને અમેરિકાની એક ગેર-સરકારી સંસ્થા ઓર્બ મીડિયાએ રજુ કર્યો છે. આ પહેલા પણ આ સંસ્થાએ એક રિપોર્ટ આપી હતી જેમાં જણાવ્યું હતું કે નળના પાણીમાં પણ પ્લાસ્ટિકના તત્વો મળે છે. જો કે શેરી મેસન પ્રમાણે નળનું પાણી બંધ બોટલના પાણીથી વધારે સુરક્ષિત છે.

(5:48 pm IST)