Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ટીડીપી મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવી શકે છેઃ જો કે, અવિશ્વાસનો પ્રસ્‍તાવ ત્યારે જ સ્‍વીકારાય જ્યારે ઓછામાં ઓછા પ૦ સભ્‍યોનું તેમને સમર્થન હોય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સાથે ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ છેડો ફાડી નાખતા હવે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવી શકે છે. જેના કારણે જુદા-જુદા પક્ષોને પત્રો પાઠવીને આ માટે કહેવામાં આવી રહ્યું છે.

વાઇએસઆર કોંગ્રેસે પણ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે તમામ વિપક્ષી પાર્ટીને પત્ર લખ્યો છે.

કેવી રીતે લાવવામાં આવે છે અવિશ્વાસ પ્રસ્તાવ

સૌપ્રથમ આ માટે વિપક્ષે લોકસભાના સ્પીકરને આ અંગેની લેખિતમાં સૂચના આપવી પડે છે. બાદમાં સ્પીકર તે દળના કોઈ સાંસદને તેને રજૂ કરવાનું કહી શકે છે.

કઈ પરિસ્થિતિમાં પ્રસ્તાવ લાવવામાં આવે

જ્યારે કોઈ દળને એવું લાગે છે કે સરકાર ગૃહનો વિશ્વાસ કે બહુમતિ ગુમાવી ચુકી છે, ત્યારે તે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે.

ક્યારે સ્વીકાર કરવામાં આવે

અવિશ્વાસ પ્રસ્તાવનો ત્યારે જ સ્વીકાર કરવામાં આવે છે જ્યારે ગૃહમાં ઓછામાં ઓછા 50 સભ્યોનું તેને સમર્થન હોય. વાઇએસઆરના લોકસભામાં નવ અને ટીડીપીના 16 સભ્ય છે.

અવિશ્વાસના પ્રસ્તાવ પર મંજૂરી મળ્યા બાદ શું થાય

જો લોકસભાના અધ્યક્ષ કે સ્પીકર અવિશ્વાસના પ્રસ્તાવને મંજૂરી આપે છે તો પ્રસ્તાવ રજૂ કર્યાના 10 દિવસની અંદર તેના પર ચર્ચા જરૂરી છે. તેના બાદમાં સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવી શકે છે, અથવા કોઇ ફેંસલો લઈ શકે છે. આવું પ્રથમ વખત બનશે જ્યારે મોદી સરકાર વિરુદ્ધ કોઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યું છે.

લોકસભામાં બેઠકની સ્થિતિ શું છે

લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના 272+1 (સ્પીકર) સભ્ય છે. કોંગ્રેસના 48, AIADMKના 7, તૃણમૃલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 16, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈ (એમ)ના 9, વાઇએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7, તેમજ અન્ય પક્ષના 58 સાંસદ છે.

મોદી સરકારને કેટલો ખતરો?

લોકસભામાં નરેન્દ્ર મદીની સરકારને કોઈ ખતરો નથી. કારણ કે તેમની પાસે 273 સાંસદ છે. લોકસભામાં બહુમતિ માટે 272 મતની જરૂર છે. એવામાં બીજેપી એકલી જ બહુમતિ સાબિત કરી શકે છે.

પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે આવ્યો

ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત ઓગસ્ટ 1963માં જે બી કૃપલાનીએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સરકાર વિરુદ્ધ મૂકવામાં આવેલા પ્રસ્તાવના પક્ષમાં ફક્ત 62 વોટ પડ્યા હતા અને વિરોધમાં 347 વોટ પડ્યા હતા.

કેટલી વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવી ચૂક્યો છે

સંસદમાં 26થી વધારે વખત અવિશ્વાસ પ્રસ્તાવ રાખવામાં આવી ચુક્યા છે. 1978માં આવા જ એક પ્રસ્તાવમાં મોરારજી દેસાઈની સરકાર પડી ગઈ હતી.

સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ

સૌથી વધારે 15 અવિશ્વાસ પ્રસ્તાવ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ વિરુદ્ધ મૂકવામાં આવ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી અને નરસિંહ રાવ સરકાર સામે ત્રણ-ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 1993માં નરસિંહ રાવ ખૂબ ઓછા અંતરથી પોતાની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો હતો. સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો રેકોર્ડ માકપા સાંસદ જ્યોતિર્મય બસુના નામ પર છે. તેમણે ચારેય અવિશ્વાસ પ્રસ્તાવ ઇન્દિરા ગાંધી સમક્ષ મૂક્યા હતા.

વાજપાઈનો રેકોર્ડ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ વિપક્ષમાં રહેતા બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે પ્રથમ પ્રસ્તાવ ઈન્દિરા ગાંધી સમક્ષ અને બીજો પ્રસ્તાવ નરસિંહ રાવ સરકાર વિરુદ્ધ મૂક્યો હતો.

(5:47 pm IST)