Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

તમાકૂની વ્યસની પત્નીથી છૂટાછેડાનો કોર્ટનો ઈનકાર

છૂટાછેડા માટે પતિએ બતાવેલું બહાનું ન ચાલ્યું : પતિ સારવારમાં પાછળ મોટો ખર્ચ થતો હોવાના દાવાને સાચો ઠેરવવા કોઈ પેપર્સ કે દવાના બિલ રજૂ ન કરી શક્યો

નાગપુર, તા. ૧૭ : ડિવોર્સ લેવા માટે ઘણીવાર લોકો કોર્ટ સમક્ષ જાતભાતના બહાના બતાવતા હોય છે. જોકે, કોર્ટ પણ ક્યારેક એવા અઘરા સવાલ પૂછી લેતી હોય છે કે અતાર્કિક કારણ આપી ડિવોર્સ લેવા માગતા લોકોને જજ સામે પરસેવો છૂટી જતો હોય છે. ડિવોર્સના આવા એક કેસમાં પતિએ કોર્ટમાં દાવો કર્યો હતો કે પત્નીને તમાકુનું વ્યસન હોવાથી તેની સારવારમાં ખૂબ ખર્ચો થાય છે. જોકે, કોર્ટે પતિને એવો સવાલ પૂછી લીધો કે તેનો જવાબ આપવામાં તેને ફાંફા પડી ગયા.

તમાકુનું વ્યસન ધરાવતી પત્નીને છૂટાછેડા આપવાની પતિની માગણીને કોર્ટે ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે મામલે પોતાના જજમેન્ટમાં જણાવ્યું હતું કે તમાકું ખાવાની આદત ખરાબ ચોક્કસ છે, પરંતુ તેના કારણે છૂટાછેડા ના મળી શકે. નાગપુરની ફેમિલી કોર્ટે ૨૧ જાન્યુઆરી ૨૦૧૫માં કેસમાં પતિની અરજી ફગાવી હતી. નીચલી કોર્ટના હુકમને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાં પણ તેની તરફેણમાં ચુકાદો નથી આવ્યો.

જસ્ટિસ અતુલ ચંદુરકર અને જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાની બેન્ચે પોતાના જજમેન્ટમાં જણાવ્યું હતું કે પતિએ મૂકેલા આક્ષેપ ખૂબ સામાન્ય છે. વળી, તેણે કોર્ટને એવું પણ જણાવ્યું છે કે પત્નીની તમાકુની આદતને લીધે તેની સારવારમાં ખૂબ ખર્ચો થાય છે, પરંતુ તેઓ પોતાના દાવાને સાચો ઠેરરવા માટે કોઈ પ્રકારના મેડિકલ પેપર્સ કે દવાના બિલ રજૂ કરી શક્યા નથી.

ફેમિલી કોર્ટના ચુકાદાને યથાવત રાખતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે પતિની છૂટાછેડાની અરજી ટકવા પાત્ર નથી. જો પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા તો તેમના દીકરા અને દીકરીને સૌથી વધુ ભોગવવાનું આવશે. જેથી, કપલ સાથે રહે તે ઈચ્છનીય છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કેટલાક  છૂટાછવાયા કિસ્સાને ક્રૂરતા ગણી તેના આધારે પણ છૂટાછેડા માગી શકાય નહીં.

કપલના લગ્ન ૨૦૦૩માં થયા હતા, પરંતુ થોડા સમયમાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરુ થયો હતો. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી પત્ની ક્રૂરતા આચરતી હોવાનું તેમજ તમાકુનું વ્યસન ધરાવતી હોવાનું કોર્ટને જણાવ્યું હતું, અને તેના આધારે છૂટાછેડા માગ્યા હતા. પતિએ દાવો કર્યો હતો કે પત્નીને વ્યસનને કારણે પેટમાં ચાંદા પડી ગયા છે જેની સારવાર પાછળ તેને મોટો ખર્ચ કરવો પડ્યો છે. વળી, પત્ની ઘરનું કંઈ કામ ના કરતી હોવાનું તેમજ સાસરિાય સાથે ઝઘડા કરતી હોવાનું, કહ્યા વગર દિવસો સુધી પિયર જતી રહેતી હોવાનું પણ પતિએ કોર્ટને જણાવ્યું હતું. જોકે, હાઈકોર્ટમાં કારણો આગળ ધરીને પતિએ કરેલી છૂટાછેડાની અરજી અંગે કોર્ટે કહ્યું હતું કે કારણો ખૂબ સામાન્ય છે અને તેના આધાર પર છૂટાછેડા મળી શકે નહીં. જજીસે કહ્યું હતું કે આવી સમસ્યા તો ઘણા લોકોને લગ્નજીવન દરમિયાન થતી હોય છે. કપલ નવ વર્ષ સાથે રહ્યું છે અને તેમ છતાંય અરજકર્તા માનસિક હેરાનગતિના કોઈ ઠોસ પુરાવા રજૂ નથી કરી શક્યા. ઉલ્ટાનું તેમણે એમ પણ જણાવ્યું છે કે ૨૦૦૮માં તેમને એચઆઈવીનો ચેપ લાગી ગયો હતો અને તે સમયે ૨૦૧૦ સુધી પત્ની તેમની સાથે રહી હતી. કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે કેસમાં પતિ પોતાને જેટલી હેરાનગતિ થઈ હોવાના દાવા કરે છે, તેના કરતા વધારે હેરાનગતિ તો પત્નીને થઈ હોય તેમ લાગી રહ્યું છે.

(8:42 pm IST)
  • પંજાબ મ્યુનિ.ચૂંટણીઓમાં કોંગ્રેસ અને અકાલીદળ આગળ : આમ આદમી પાર્ટી પણ અમુક જગ્યાએ લીડમાં : ભાજપને ખેડૂત આંદોલન નડ્યું : ભાજપના મહારથીઓ હાર્યા : અનેક શહેરોના વોર્ડમાં ઓછી સીટ મળી : કોંગ્રેસ અને અકાલી દળના વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ શરૂ access_time 12:35 pm IST

  • ૨૨ પ્રધાનો અને ૧૧૦ સાંસદો મેદાનમાં ઉતારશે ભાજપ : આગામી એપ્રિલ મહિનામાં આવી રહેલ પશ્ચિમ બંગાળની જબરદસ્ત રસાકસીવાળી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે તેના ૨૨ જેટલા કેન્દ્રીય પ્રધાનોને બંગાળમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં ૧૧૦ જેટલી મહત્વની બેઠકો અલગ તારવી છે અને આ બેઠકો માટે સાંસદ સભ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે જે આ બેઠકો માટે પ્રચાર કાર્ય કરશે અને છેવટ સુધી પશ્ચિમ બંગાળમાં કેમ્પ કરી રોકાશે. access_time 2:53 pm IST

  • સગીર બાળા ઉપર બળાત્કાર બદલ જેલવાસ ભોગવી રહેલા આશારામ બાપુની તબિયત લથડી : ગઈકાલ મંગળવારે રાત્રે જોધપુર હોસ્પિટલમાં દાખલ કરાયા : હોસ્પિટલ બહાર સમર્થકોની ભીડ access_time 11:42 am IST