Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બાળકીના અપહરણ અને જાતિય સતામણીના આરોપમાં આર્મીના ત્રણ જવાનોની ધરપકડ

ધરપકડ કરાયેલા ત્રણ સૈનિકો પૈકી એક જવાન કાશ્મીરનો સ્થાનિક નિવાસી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં 9 વર્ષની એક સગીરાનું અપહરણ કરીને જાતિય સતામણી કોશિશનો કેસ સામે આવ્યો છે. આ બાબતે ભારતીય સેનાના ત્રણ જવાનોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ત્રણ સૈનિકો પૈકી એક જવાન કાશ્મીરનો સ્થાનિક નિવાસી છે, જ્યારે બે અન્ય રાજ્યના છે. જોકે, આર્મી તરફથી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

સાક્ષી અને પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 9 વર્ષની બાળકી ઉત્તર કાશ્મીરના ચેવા જિલ્લાની છે. બાળકીના પરિવારે ફરિયાદ કર્યા પછી સંબલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 341, 363, 511 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મામલો સામે આવ્યા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) પ્રમુખ મહબૂબા મુફ્તીએ પ્રશ્ન ઉઠાવ્યા છે.

તેઓએ ટ્વીટ કર્યું કે, બાંદીપોરાના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે આર્મીના 3 જવાનોને 9 વર્ષની બાળકીનું અપહરણ અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. મુફ્તીએ પોતાના આ ટ્વીટમાં પોલીસ વ્યવસ્થ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેઓએ લખ્યું કે, પીડિતાના પરિવારે FIR પરત લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ ન્યાયની સાથે મજાક છે અને તાત્કાલિક નિષ્પક્ષ તપાસ સ્થાપિત કરવી જોઈએ, જેથી તેમને આકરી સજા આપી શકાય.

બાંદીપોરાના એસએસપી રાહુલ મલિકે કહ્યું કે, 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે મામલો ‘સંવેદનશીલ’ હોવાના કારણે તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેઓએ કહ્યું કે, અમે ફરિયાદી અને આરોપી બંનેની ઓળખને ગુપ્ત રાખી છે. આરોપીઓની વિરુદ્ધ આરોપ નક્કી થતાં અમે આગળની કાર્યવાહી કરીશું.

(7:16 pm IST)