Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કોરોનાથી જીવ ગુમાવનારા ૩૯ પત્રકારોના પરિવારોને ૫ લાખની સહાયના પ્રસ્તાવને કેન્દ્રએ આપી મંજૂરી

નવી દિલ્હી, તા. ૧૭ : કેન્દ્ર સરકારે પ્રેસ માહિતી બ્યુરોની જર્નાલિસ્ટ વેલ્ફેર કમિટી (JWC)ની દરખાસ્ત મુજબ કોરોના વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવનારા ૩૯ પત્રકારોના પરિવારોને ૫-૫ લાખ રૂપિયાની નાણાકીય સહાય માટે મંજુરી આપી. કેન્દ્ર સરકારે જર્નાલિસ્ટ્સ વેલ્ફેર કમિટી માટે એક વધારાના ભંડોળની સ્થાપના કરી છે. જેમાં ભારતભરના પત્રકારોનો સમાવેશ થાય છે. બેઠકમાં જેડબ્લ્યુસીએ ૩૯ મૃત પત્રકારોના પરિવારના સભ્યોને ૫ લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. માહિતી અને પ્રસારણ સચિવ અમિત ખરેની અધ્યક્ષતામાં જેડબ્લ્યુસીની બેઠક મળી હતી.

આ બેઠકમાં એડિશનલ સેક્રેટરી નીરજા શેખર, જોઇન્ટ સેક્રેટરી વિક્રમ સહાય અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેકટર જનરલ કે એસ ધતવાલિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જેડબ્લ્યુસીના સભ્યો સંતોષ ઠાકુર, અમિત કુમાર, ઉમેશ્વર કુમાર અને ગણેશ બિષ્ટ દ્વારા પત્રકારોનું પ્રતિનિધિત્વ કરાયું હતું. ઠાકુરે વડાપ્રધાન મોદી અને માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરનો આ પગલા બદલ આભાર માન્યો. ઠાકુરે કહ્યું કે જેડબ્લ્યુસીએ આરોગ્ય વીમા અને જીવન વીમા યોજનાઓ સહિત પત્રકારો માટેના અન્ય કલ્યાણકારી પગલાઓ પર પણ ચર્ચા કરી છે. આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજનામાં પત્રકારોને સમાવવાના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

ઠાકુરે કહ્યું કે જે પત્રકારોને ગંભીર બીમારી હતી અથવા તેઓ તેમની નોકરી દરમિયાન દિવ્યાંગ થયા, તેઓ જેડબ્લ્યુસી દ્વારા સરકારની આર્થિક મદદ માટે અરજી કરી શકે છે. તેમજ ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પત્રકારોના પરિવારના સભ્યો નાણાકીય સહાય માટે પણ અરજી કરી શકે છે. પીઆઈબીએ તેની વેબસાઇટ પર એક લિંક આપી છે, જ્યાં પત્રકાર અથવા તેના પરિવારના સભ્યો સરકાર પાસે મદદની માંગ કરી શકે છે.

(3:04 pm IST)