Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કુદરતી આપત્તિઓમાં અનેક ગણો વધારો થશેઃ ચોંકાવનારા તારણો

સદીના અંતમાં અચાનક જોરદાર દુકાળ પડવાની ઘટનાઓ વધશેઃ આઇઆઇટી ગાંધીનગરના અભ્યાસમાં કરાયો દાવો

નવી દિલ્હી તા. ૧૭: ભારત જયારે હિમાલયન ક્ષેત્રમાં ગ્લેશીયર તુટવાથી આવેલ ભયાનક પુર અને તબાહીનો સામનો કરી રહ્યું છે ત્યારે જ આઇઆઇટી ગાંધીનગરના એક રિસર્ચમાં કહેવાયું છે કે આ સદીના અંતમાં ભયાનક દુકાળની ઘટનાઓમાં ૭-૮ ગણો વધારો થઇ જશે. અભ્યાસમાં આ પરિસ્થિતિ માટે ચોમાસાની ઋતુમાં અત્યંત સુકુ અને ગરમ વાતાવરણ રહેવાનો સમય વધવા તથા ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને જવાબદાર ગણાવાયું છે. વધારે દુકાળ પડવાની સૌથી ખરાબ અસર પાક ઉત્પાદન પર થશે કેમ કે તેનાથી માટીમાં ભેજ ઓછો થશે અને ચોમાસાની ઋતુમાં ફેરફારો આવતા રહેશે.

કલાઇમેટ એન્ડ એટમોસ્ફેરીક સાયન્સ જર્નલમાં પ્રકાશીત આ રિસર્ચમાં કહેવાયું છે કે એન્થ્રોપોજેનિક વોર્મીંગ અને ઇન્ટર સીઝનલ મોન્સુનના કારણે ભારતમાં ભયંકર દુકાળનું જોખમ વધી જશે. આ દુકાન સામાન્ય દુકાળની સરખામણીમાં બહુ ઝડપથી આવે છે અને કૃષિ, ઇકો સીસ્ટમ અને જળ ઉપલબ્ધતા માટે સંકટ ઉભું થઇ શકે છે. રીસર્ચરોએ જણાવ્યું કે પારંપરિક દુકાળને પોતાના ચરમ પહોંચવામાં મહિનાઓ અને કયારેક કયારેક વર્ષોનો સમય લાગે છે તો બીજી તરફ તીવ્ર ગતિથી આવતો દુઁકાળ કેટલાક અઠવાડીયાથી માંડીને કેટલાક મહિનાઓમાં છવાઇ જાય છે.

આ પ્રકારના દુકાળ કોઇ ખાસ વિસ્તારમાં પણ પડી શકે છે અને વ્યાપક થઇને દેશના મોટા ભાગને પણ અસર કરી શકે છે.

રિસર્ચરો વિમલ મિશ્રા, શાંતિ સ્વરૂપ મહતો અને સહન અધાર ૧૯પ૧ અને ર૦૧૬ વચ્ચે ભારતમાં આવેલા તીવ્ર દુકાળોના કારણોના અભ્યાસ પછી આ તારણો પર આવ્યા છે. તેમણે જણાવ્યું કે ૧૯૭૯ માં આવેલ તીવ્ર દુકાળની અસર દેશના ૪૦ ટકાથી વધારે ભાગ પર પડી હતી. તેના આધાર પર વૈજ્ઞાનિકો ભાવિ જોખમો સામે ચેતવણી આપે છે.

(3:01 pm IST)