Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

નેપાળ ભારત પાસેથી ખરીદશે ૨૦ લાખ કોરોના વેકિસન :પાકિસ્તાન હજુ રહેમના ભરોસે !

કાઠમંડુ,તા. ૧૭: ભારત પાસેથી ભેટમાં ૧૦ લાખ વેકિસન મળ્યા બાદ નેપાળે વધુ ૨૦ લાખ વધુ ડોઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે મંગળવારે આ સોદા માટેના એડવાન્સ ચુકવણીને મંજૂરી આપી છે. બીજી બાજુ પાડોશી દેશ પાકિસ્તાનના હાલ એવો છે કે તે હજુ રહેમના ભરોશે બેઠો છે. તેના મિત્ર ચીન સુધી પહોંચ છતાં તેને ફકત ૫ લાખ રસી મળી છે.

નેપાળની અગ્રણી ન્યુઝ વેબસાઇટના એક સમાચાર અહેવાલ મુજબ આરોગ્ય પ્રધાન હૃદયેશ ત્રિપાઠીએ કહ્યું હતું કે, 'આજે કેબિનેટે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ૨૦ લાખ વધુ ડોઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. તેના માટે ૮૦% રકમ તરત જ ચુકવવામાં આવશે.' તેમણે કહ્યું કે નેપાળને એક જ ડોઝ માટે ૪ ડોલર ચૂકવવા પડ્યા છે. એટલે કે પાકિસ્તાની ચલણ પ્રમાણે ૪૬૪ રૂપિયા. ૨૦ લાખ ડોઝનો ખર્ચ ૯૩.૬ કરોડ થશે અને નેપાળ ૭૪.૮ કરોડ ડાઉન પેમેન્ટ કરશે.

ભારતની મદદથી નેપાળમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ચુકી છે. સૌથી પહેલા ફ્રન્ટ લાઈનના કામદારોને રસી આપવામાં આવી રહી છે. નેપાળની કુલ વસ્તી આશરે ૩ કરોડ છે. જો ૧૪ વર્ષથી નીચેના બાળકોને અલગ કરવામાં આવે છે, તો ૭૨% વસ્તીએ રસી લેવી પડશે. નેપાળમાં ૨૦ ટકા વસ્તી માટે કોવાકસ પહેલ હેઠળ નિશુલ્ક રસી મળશે.

બીજી બાજુ ૨૨ કરોડથી વધુની વસ્તી ધરાવતા પાકિસ્તાને અત્યાર સુધી ચીન તરફથી માત્ર ૫ લાખ કોરોના રસી મળી છે. પાક હજી સુધી ભારત પાસે કોરોના રસી માંગવા માટે હિંમત એકઠી નથી કરી શકયું. ઇમરાન સરકારે ભારતમાં બનાવાયેલી કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે, જેથી તે કોવાકસ પ્રોગ્રામ હેઠળ રસી મેળવી શકે. અત્યાર સુધી ઇમરાન ખાન સરકાર તેના લોકો માટે કોરોનાનો એક ડોઝ પણ ખરીદી શકી નથી.

(2:59 pm IST)