Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર મહિલાને ફાંસી અપાશે

શબનમે પોતાના પ્રેમી સાથે મળી ૭ પરિવારજનોને કુહાડાથી કાપી નાખ્યા હતાઃ રાષ્ટ્રપતિએ અરજી ફગાવી દીધીઃ મથુરા જેલમાં જલ્લાદે નિરીક્ષણ કર્યું: અંતિમ તારીખ હવે જાહેર થશે

મથુરા તા. ૧૭: સ્વતંત્ર ભારતમાં પહેલી વાર કોઇ મહિલાને ફાંસી આપવાની તૈયારી થઇ રહી છે. મથુરા ખાતેના યુપીના એકમાત્ર ફાંસીઘરમાં અમરોહાની શબનમને ફાંસીએ લટકાવવા માટે સફાઇ શરૂ થઇ ગઇ છે. તો મેરઠના જલ્લાદ પવને પણ બે વાર જીલ્લા જેલમાં આવેલ ફાંસીઘરનું નિરીક્ષણ કરી લીધું છે.

જીલ્લા જેલમાં લગભગ ૧પ૦ વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવાયું હતું પણ આઝાદીના ૭૩ વર્ષમાં કોઇપણ મહિલાને અહીં ફાંસી નથી અપાઇ. છેલ્લે છેલ્લે જો કોઇ રૂકાવટ નહીં આવે તો બાવનખેડી અમરોહાની શબનમ સ્વતંત્ર ભારતમાં ફાંસીએ લટકનાર પહેલી મહિલા બનશે. સીનીયર જેલ સુપ્રીન્ટેન્ડન્ટ શૈલેન્દ્ર મૈત્રેયએ કહ્યું કે શબનમને ફાંસી આપવાની તારીખ નક્કી નથી પણ અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ મળતા જ અંતિમ તૈયારીઓ કરી લેવાશે.

આ પહેલા ૬ એપ્રિલ ૧૯૯૮ એ મથુરામાં લખનૌની મહિલા રામશ્રીને ફાંસી આપવાની તૈયારીઓ થઇ ગઇ હતી પણ તેણે જેલમાં બાળકને જન્મ આપતા તેની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઇ હતી.

ફાંસીની સજા મેળવનાર શબનમે પોતાના પ્રેમી સાથે મળીને એપ્રિલ-ર૦૦૮માં પોતાના સાત પરિવારજનોને કુહાડીથી કાપી નાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેની ફાંસીની સજા જેમની તેમ રાખી હતી અને રાષ્ટ્રપતિએ પણ તેની રહેમની અરજીને ફગાવી દીધી હતી.

(2:58 pm IST)