Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

દલિત યુવકના વરઘોડા ઉપર પથ્થરમારોઃ તંગદિલી

સજ્જડ પોલીસ બંદોબસ્તઃ હવે ફરિયાદ થશે

પાટણઃ. તાલુકાના કમલીવાડા ગામે દલિત યુવાનના લગ્નનો વરઘોડો નીકળતા ગામના કેટલાક લોકોએ રોકી પથ્થરમારો કરતા પરિસ્થિતિ તંગ બની હતી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો અને પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નિકળ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણ તાલુકાના કમલીવાડા ગામે પરમાર વિશ્વજીવત ખેંગારભાઈના લગ્નનો વરઘોડો નિકળ્યો હતો, ત્યારે આ વરઘોડાને રોકવા કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઈ જતા પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડયો હતો અને સમજાવટ બાદ વરઘોડો નીકળ્યો હતો. વરરાજાના પિતા ખેંગારભાઈએ જણાવ્યુ હતુ કે વિશ્વજીતને પરણવા જવાનું છે તેમજ ભોજન સમારંભ પણ રાખેલ છે. જેને લઈ લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ ફરીયાદ કરવામાં આવશે. પાટણના સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પરમારે આ બનાવને વખોડી કાઢી જણાવ્યુ હતુ કે આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ અનુ.જાતિની વ્યકિત ઘોડા ઉપર બેસે તો તકલીફ થાય છે. કેટલાક લોકો દ્વારા પૂર્વ આયોજીત રીતે કાવતરૂ રચવામાં આવ્યુ હતું.

(11:18 am IST)