Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બાબુલાલ મારંડીની ભાજપમાં ઘર વાપસી : વિધિવત જાહેરાત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જેવીએમના મર્જરને લઈ સ્વાગત કર્યું : અમિત શાહ વર્ષ ૨૦૧૪થી ઘરવાપસી માટે કામ કરી રહ્યા હતા

રાંચી, તા.૧૭  : ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી અને એક સમયે પ્રદેશની રાજનીતિમાં દિગ્ગજ નેતા તરીકે રહેલા બાબુલાલ મારન્ડીની આજે ઘરવાપસી થઈ હતી. બાબુલાલ મારન્ડીએ આજે પોતાની પાર્ટી ઝારખંડ વિકાસ મોરચાની ભારતીય જનતા પાર્ટીમાં મર્જરની જાહેરાત કરી હતી. મારન્ડીએ આ નિર્ણય આ મહિને દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત બાદ લીધો હતો. આજે રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન બાબુલાલ મારન્ડીએ આ મર્જરની વિધિવત રીતે જાહેરાત કરી હતી. અમિત શાહે ઝારખંડ વિકાસ મોરચાના ભાજપના મર્જરને લઈને સ્વાગત કર્યું છે. મર્જર થયા બાદ અમિત શાહે કહ્યું હતું કે તેમને ખુશી છે કે બાબુલાલ મારન્ડી ભાજપમાં પરત ફર્યા છે. તેઓ ૨૦૧૪થી તેમની વાપસી માટે કામ કરી રહ્યા હતા. બાબુલાલ મારન્ડીએ ૨૦૦૬માં ભાજપ સાથે છેડો ફાડીને ઝારખંડ વિકાસ મોરચાના નામથી નવી પાર્ટી બનાવી હતી.

           બાબુલાલ મારન્ડી ઝારખંડની રાજનીતિમાં એક દિગ્ગજ નેતા તરીકે રહેલા છે. બંને પાર્ટીઓના મર્જર એવા સમયે થયા છે જ્યારે ભાજપ હાલમાં જ ઝારખંડમાંથી સત્તામાં ફેંકાઈ ચુક્યું છે. જેવીએમ હાલમાં ખૂબ જ કમજોર સ્થિતિમાં છે. ચાર વખતના લોકસભા સાંસદ અને વાજપેયી સરકારમાં કેન્દ્રિય મંત્રી રહી ચુકેલા બાબુલાલ મારન્ડીની રાજકીય જડો સંઘ સાથે જોડાયેલી રહી છે. વર્ષ ૨૦૦૦માં બિહારથી અલગ થઈને નવા રાજ્ય ઝારખંડની રચના કરવામાં આવ્યા બાદ તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આ રીતે ભાજપમાં તેમની પાર્ટીના મર્જર બાદ તેમની ઘરવાપસી થઈ છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને પણ આ મર્જરને કારણે ફાયદો થઈ શકે છે. કારણ કે પ્રદેશમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા દિન પ્રતિદિન વધી રહી છે. બાબુલાલ મારન્ડી પ્રદેશને લઈને ખુબ અનુભવી છે.

(7:29 pm IST)