Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગુજરાત મોડલ પર યુપીમાં જીત મેળવવા ભાજપ તૈયાર

દિલ્હી હાઇ કમાન્ડ સીધી રીતે ફીડબેક મેળવશે : ૬૦ થી વધારે હાઇટેક ઓફિસ બનાવવા માટેની તૈયારીઓ

લખનૌ, તા. ૧૭: ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ પંચાયત ચૂંટણી ૨૦૨૦ અને વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં જીત મેળવી લેવા માટેની તમામ તૈયારી કરી લીધી છે. આના માટે મોટા પાયે તૈયારી ચાલી રહી છે. ગુજરાત મોડલ પર હવે યુપી ફતેહ કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે. આની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ તમામ જિલ્લામાં સમિતીઓની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ ગુજરાત મોડલની જેમ જ પ્રદેશના ૬૦ કાર્યાલયને હાઇટેક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. પાર્ટી હાઇ કમાન્ડ કોઇ પણ જગ્યાએ બેસીને વિડિયો કોન્ફ્રન્સિંગ મારફતે જિલ્લાની સ્થિતી અંગે ફીડબેક મેળવી શકે તેવી તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી જ ઓફિસો બનાવેલી છે. જ્યાંથી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પૂર્ણ રાજનીતિ પર નજર રાખતા હતા.

ઉત્તરપ્રદેશના તમામ ૭૫ જિલ્લામાં ભાજપે શાનદાર પાર્ટી ઓફિસ બનાવી છે. જે પૈકી ૬૦ને હાઇટેક કરવામાં આવી ચુકી છે. હાઇટેક ઓફિસની ઇમારત ત્રણથી પાંચ હજાર ફુટ કાર્પેટ એરિયામાં બનાવવામાં આવી છે. જે ત્રણ માળની છે. આ ઓફિસને સેન્ટ્રલ ઓફિસ દિલ્હી અને સ્ટેટ ઓફિસ લખનૌ સાથે જોડી દેવામાં આવી છે. તેમાં આઇટી સેન્ટર અને કોલ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. એક મોટા અને નાના કોન્ફ્રન્સિંગ સુવિધા સાથે હોલ બનાવવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી આધુનિક ટેકનોલોજી સાથે હાઇટેક પાર્ટી બની રહી છે. આ ઓફિસમાં ફોટો ગેલેરી અને લાઇબ્રેરીની પણ વ્યવસ્થા છે. આ તમામ ઓફિસ મેઇન રોડથી નજીક છે. અહીં નેતાઓના રોકાવવા માટેની તમામ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ૬૦ ભાજપ ઓફિસ હાઇટેક કરવામાં આવી ચુકી છે. અન્યોને લઇને કામગીરી ચાલી રહી છે. દરમિયાન તમામ જિલ્લામાં સમિતીઓની પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી છે. જે પહેલાથી જ સક્રિય થઇ ગઇ છે. આના કારણઁ પાર્ટીને જોરદાર રીતે ફાયદો થવાની શક્યતા દેખાઇ રહી છે.

(4:01 pm IST)