Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો

આર્મીમાં હવે મહિલાઓ માટે કમાન્ડ પોસ્ટ તથા સ્થાયી પંચ

સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વિરોધનું સૂરસૂરીયુ

નવી દિલ્હી તા. ૧૭ : સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનની માંગણીવાળી અરજી પર સુનવણી કરતાં કેન્દ્ર સરકારને ખખડાવ્યું છે. કોર્ટે કહ્યું કે સામાજિક અને માનસિક કારણ બતાવીને મહિલા અધિકારીઓને તકથી વંચિત કરવા માત્ર ભેદભાવપૂર્ણ નથી પરંતુ આ અસ્વીકાર્ય છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાનો દ્રષ્ટિકોણ અને માનસિકતામાં ફેરફાર કરવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખતા કહ્યું કે મહિલાઓને સેનાના ૧૦ વિભાગોમાં સ્થાયી કમિશન આપવામાં આવે. કોર્ટે મહિલાઓને કમાન્ડ ના આપવાના સરકારના તર્કને પણ ખોટો અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો. જો કે કોર્ટના આ નિર્ણય બાદ પણ યુદ્ઘ ક્ષેત્રમાં મહિલા અધિકારીઓને તૈનાતી મળશે નહીં.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂક એક વિકાસવાદી પ્રક્રિયા છે. કોર્ટે કેન્દ્ર સરકારને ખખડાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ મૂકાયો નથી. તેમ છતાંય કેન્દ્રે હાઇકોર્ટના નિર્ણયને લાગૂ કર્યો નથી. હાઇકોર્ટના નિર્ણય પર કાર્યવાહી કરવાનું કોઇ કારણ કે ઔચિત્ય નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ નાગરિકોને તકની સમાનતા અને લૈંગિક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીનું માર્ગદર્શન કરશે. મહિલાઓની શારીરિત વિશેષતાઓ પર કેન્દ્રના વિચારોને કોર્ટે નકારી દીધા.

કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યકતા કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્થાયી કમિશન આપવાથી ઇન્કાર સ્ટીરિયોટાઇપ્સ પૂર્વાગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલાઓ પુરુષોની સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. કેન્દ્રની દલીલો પરેશાન કરનારી છે. મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. સુપ્રીમ કોર્ટે કેપ્ટન તાન્યા શેરગિલનું ઉદાહરણ આપ્યું.

(3:50 pm IST)