Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘુસ્યો : હરણનું મારણ

તાજેતરમાં રાજકોટની ભાગોળે સાવજે દેખા દીધા બાદ હવે દીપડાએ 'દર્શન' દેતા ખળભળાટ... દોડધામ : ઝુ બંધ કરાયુઃ અન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી દેવાયાઃ પકડવા ૭ પાંજરા મુકાયાઃ રાત્રીના સમયે દીપડો દેખાય તે માટે લાઇટો મુકાઇ : ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પહોંચ્યા

શહેરની ભાગોળે લાલપરી તળાવ પાસે આવેલ પ્રદ્યુમન પાર્ક ઝુમાં ગત રાત્રીએ બહારથી દિપડો ઘુસતા તંત્ર દ્વારા તેમને પકડવા છ પાંજરાઓ મુકવામાં આવ્યા છે. આજે ઝુ મુલાકાતીઓ માટે બંધ રખાયું છે તેમ પ્રદ્યુમન પાર્ક સુપ્રિન્ટેન્ડન્ટ ડો. હિરપરાએ જણાવ્યું હતું. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી મારણ કર્યું હતું. પ્રદ્યુમન પાર્કમાં રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ મુલાકાત લે છે. આથી સહેલાણીઓની સલામતી ઉપર સવાલ ઉઠ્યો છે. જો કે દીપડો રાત્રીના આવ્યો હોય માનવીઓ પર હુમલો થતો અટકયો છે. હાલ ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઝૂ પહોંચી ગયા છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. દીપડાને પકડવા માટે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મુકવામાં આવ્યા છે.

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે ૯ વાગ્યા આસપાસનો બનાવ છે. રાતના સ્ટાફે નજરે જોયો હતો. દીપડાએ હોગ ડીઅર જાતિનું માદા હરણનુ મારણ કર્યું છે. જો કે રાત્રે જ જંગલ ખાતાની ટીમને જાણ કરી બોલાવી લેવાઇ છે. હજુ દીપડો પકડાયો નથી. સલામતી માટે ઝૂ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું છે. ઝૂની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો અવારનવાર સિંહ અને દીપડા આવી ચડતા હોય છે અને માનવીઓ પર હુમલા કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ સિંહ પોતાની ટેરેટરી તોડી રાજકોટની ભાગોળે દેખા દીધા હતા. ત્યારે હવે દીપડો રાજકોટમાં જ ઘૂસી આવ્યો છે. ત્યારે આસપાસની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે રાજકોટ વન વિભાગે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં ૬ પાંજરા મુકવામાં આવ્યા છે.

પ્રદ્યુમન પાર્કમાં અગાઉ પણ સિંહ પાંજરામાંથી બહાર આવી ગયો હતો. આ સમયે ઝૂમાં સહેલાણીઓની સંખ્યા ઓછી હોવાથી જાનહાનિ સર્જાઇ નહોતી. તેમજ ઝૂમાંથી ઘુવડની પણ ચોરી થઇ હતી. આથી ઝૂના અધિકારીઓની કયાકને કયાંક બેદરકારી સામે આવી રહી છે. ઝૂની અંદર અમુક સીસીટીવી પણ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રદ્યુમન પાર્કમાં હાલ ૫૫ પ્રજાતિના ૪૩૦ પ્રાણી-પક્ષીઓ આવેલા છે. દરેક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં સિંહ, રીંછ, સફેદ વાઘ, હરણ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. અત્રે નોંધનીય છે કે, ઝૂમાં ૬ જાતિના ૧૨૨ હરણો તથા ૨ દીપડા છે.

(3:03 pm IST)
  • મોન્ટેકસિંહ આહુવાલિયાનો દાવો : રાહુલ ગાંધી દ્વારા ઓર્ડિનેસની કોપી ફાડવા પર ડો,મનમોહનસિંહ હતા નારાજ : રાજીનામુ આપવા ઇચ્છતા હતા access_time 12:44 am IST

  • દેશ આખામાં દારૂબંધી દાખલ કરોઃ નિતિન કુમાર :બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે આખા દેશમાં દારૂ પર પ્રતિબંધ મુકવાનું કહ્યુ હતુ. access_time 3:33 pm IST

  • પશ્ચિમ બંગાળના માલદામાં નિર્માણાધીન પુલનો ભાગ ધરાસાયી : બે લોકોના કરૂણમોત : પાંચ લોકો ઘાયલ : માલદા જિલ્લાના વૈષ્ણવનગરમાં રવિવારે રાત્રે ગોઝારી દુર્ઘટના : ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા રાહત-બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ : રાત્રે 8 વાગ્યે પુલનો એક ગર્ડર તૂટી પડતા કેટલાક મજૂરો દબાયાંની આશંકા access_time 12:33 am IST