Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

યુનોના વડા હાલ પાકિસ્તાનની યાત્રાએ છે

કાશ્મીર પ્રશ્ને યુનોના પ્રમુખે કરેલી મધ્યસ્થતાની ઓફર ભારતે નકારી કાઢી

નવી દિલ્હી, તા.૧૭: પાકિસ્તાનના ચાર દિવસના પ્રવાસ પર રવિવારે ઇસ્લામાબાદ પહોંચેલા સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુતરેસે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યકત કરતાં આ મુદ્દા પર મધ્યસ્થતાની રજૂઆત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઓછો કરવાની અપીલ કરતાં ગુતરેસે કહ્યું કે જો બંને દેશ સહમત થાય છે તો તેઓ મધ્યસ્થતા કરવા તૈયાર છે. ભારતે તેના પર આકરી પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો કોઇ પ્રશ્ન જ ઉભો થતો નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં સંયુકત રાષ્ટ્ર મહાસચિવે કહ્યું કે ભારત અને પાકિસ્તાન માટે 'સૈન્ય અને જુબાની' તણાવ ઓછો કરવો મહત્વપૂર્ણ છે. બંને દેશોએ 'વધુમાં વધુ સંયમ' રાખવો જોઇએ. જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર લાઇન ઓફ કંટ્રોલ પર તણાવથી 'ખૂબ જ ચિંતિત'છે.

સંયુકત રાષ્ટ્ર મહાસચિવ આટલા પર જ જોર આપી થોભ્યા નહીં. તેમણે કહ્યું કે યુએન ચાર્ટર અને સિકયોરિટી કાઉન્સિલના પ્રસ્તાવો પ્રમાણે કાશ્મીર સમસ્યાનું સમાધાન કરવાની વાત કહી. તેમણે કહ્યું કે કૂટનીતિ અને વાતચીત જ શાંતિ અને સ્થાયિત્વની ગેરંટી આપે છે. યુએન ચીફે કહ્યું કે વિવાદનો હલ યુએન ચાર્ટર અને સિકયોરિટી કાઉન્સિલના રિઝોલ્યુશનના હિસાબથી થવું જોઇએ.

સંયુકત રાષ્ટ્ર મહાસચિવ ગુતરેસે કહ્યું કે તેઓ 'વારંવાર અને સતત વધુમાં વધુ સંયમ રાખવાના મહત્વ' પર જોર આપી રહ્યા છે. કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની રજૂઆત કરતાં તેમણે કહ્યું કે જો બંને દેશ મધ્યસ્થતા પર સહમત છે તો હું મદદ માટે તૈયાર છું. ગુતરેસ ચાર દિવસના પ્રવાસ પર પાકિસ્તાન પહોંચ્યા છે. આ દરમ્યાન તેઓ અફદ્યાનિસ્તાની શરણાર્થીઓને લઇ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સિવાય તેમનો કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવાનો પણ કાર્યક્રમ છે.

સંયુકત રાષ્ટ્ર મહાસચિવની ટિપ્પણીઓ અંગે જયારે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારને પૂછવામાં આવ્યું તો તેમણે મધ્યસ્થતાના પ્રસ્તાવને ધડમાડાથી નકારી દીધો. તેમણે કહ્યું કે ભારતના રૂખમાં કોઇ બદલાવ નથી. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને આગળ પણ રહેશે. જો કોઇ મુદ્દાના સમાધાનની જરૂર છે તો પાકિસ્તાન દ્વારા ગેરકાયેદ કબ્જામાં લેવામાં આવેલા તેમના વિસ્તારને ખાલી કરવાનો મુદ્દો છે. બાકીનો મુદ્દો જો કોઇ છે તો તેને લઇ દ્વિપક્ષીય ચર્ચા થશે. કોઇ ત્રીજા પક્ષની કોઇ ભૂમિકા કે મધ્યસ્થતા માટે કોઇ શકયતા જ નથી.

કુમારે આશા વ્યકત કરી છે કે સંયુકત રાષ્ટ્ર મહાસચિવ પાકિસ્તાનને આતંકવાદની વિરૂદ્ઘ વિશ્વસનીય પગલાં ઉઠાવવાનું કહેશે. અમે આશા વ્યકત કરીએ છીએ કે સંયુકત રાષ્ટ્ર મહાસચિવ પાકિસ્તાનને ભારતની વિરૂદ્ઘ સરહદ પાર આતંકવાદ ખત્મ કરવા માટે વિશ્વસનીય, ટકાઉ અને સ્થિર પગલાં ઉઠાવા માટે જોર આપતું રહેશે. આ (સરહદપાર આતંકવાદ) જમ્મુ-કાશ્મીર સહિત ભારતના લોકોને ફંડામેન્ટલ હ્યુમન રાઇટ એટલે કે જીવનના અધિકાર માટે ખતરો છે.

(10:19 am IST)