Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઘરેલુ વિવાદમાં પંજાબનાં હેડ કોન્સ્ટેબલે સાસરીયામાં પત્નિ સહીત 5 લોકો પર AK-47 થી ચલાવી ગોળીઓ: 4 નાં મોત

પત્ની,સાસુ, સાળો અને સાળાની પત્નીનું મોત : સાળા જસકરણ સિંહની 10 વર્ષની પુત્રી જશ્નપ્રીત કૌર ઘાયલ

નવી દિલ્હી : ઘરેલું વિવાદને કારણે  પંજાબ પોલીસનાં હેડ કોન્સ્ટેબલએ સરકારી AK-47 થી ગોળી ચલાવીને તેની પત્ની અને 3 સાસરીયાનાં (સાસુ-સાળો અને સાળાની પત્ની) લોકોની હત્યા કરી હતી. એક 10 વર્ષની બાળકી પણ ઘાયલ થઈ છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો હતો, બીજી તરફ પરિવારનાં સભ્યોની રડી રડીને ખરાબ હાલત થઇ હતી. હત્યાને અંજામ આપીને આરોપી કુલવિન્દરસિંહે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને સમર્પણ કર્યું હતુ.

ઘટના મોગા જિલ્લાનાં સેદ જલાલપુર ગામની છે. હેડ કોન્સ્ટેબલ કુલવિંદર સિંહ મોગા પોલીસ લાઇનમાં એન્ટી રાયટ્સ દળનું નેતૃત્વ કરે છે. કુલવિંદર સિંહનો તેની પત્ની રાજવિંદર કૌર સાથે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. રવિવાર (16 ફેબ્રુઆરી) નાં રોજ હેડ કોન્સ્ટેબલ કુલવિંદર સિંહે આ ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતકોની ઓળખ આરોપીની પત્નિ રાજવીન્દર કૌર, આરોપીની સાસુ સુખવિંદર કૌર, સાળો જસકરણ સિંહ અને સાળાની પત્નિની વહુ ઇન્દ્રજિત કૌર તરીકે થઈ છે. 10 વર્ષની પુત્રી જસપ્રીત કૌર ઈજાગ્રસ્ત થઇ છે. આ વાતની પુષ્ટિ મોગાનાં એસએસપી હરમનવીર સિંહે કરી હતી. જસપ્રીત કૌરને મોગાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

આ હત્યાકાંડ પાછળ સુઅર ફાર્મ કારણ હોવાનું સામે આવી રહ્યું છે. આરોપીએ થોડા સમય પહેલા તેની સાસરીયામાં સુઅર ફાર્મ ખોલ્યું હતું. ઉક્ત ફાર્મ આરોપી કુલવિંદર સિંહની સાસરીયાની જગ્યા પર હતું. હવે સાસરીયાઓ તેની પાસેથી જમીનની માંગ કરી રહ્યા હતા. આ મામલે કુલવિંદર સિંહ તેના સાસરીયાઓ સાથે વિવાદમાં હતો. સત્તાવાર માહિતી મુજબ, કુલવિંદર સિંહ શનિવારે રાત્રે પત્ની રાજવિંદર સિંહ સાથે સાસરીયામાં આવ્યો હતો. આ દરમિયાન કુલવીન્દર સિંહે વધુ પડતો દારૂ પીવાને કારણે પોતાના સાળા અને સાસુની સાથે જમીનને લઇને ઝઘડો કર્યો હતો.

આ ઘટનામાં સાળા જસકરણ સિંહની 10 વર્ષની પુત્રી જશ્નપ્રીત કૌર ઘાયલ થઈ હતી. વળી, નાના સાળો અને હત્યા કરાયેલા સાળાનાં 2 બાળકોએ પડોશીઓનાં મકાનમાં છુપાઇને પોતાનો જીવ બચાવ્યો હતો. જશ્નપ્રીતનું કહેવું છે કે, જમીનનાં વિવાદને કારણે તેના ફૂવાએ ઘરે સૂઇ રહેલા પરિવાર પર ગોળીબાર કર્યો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી હેડ કોન્સ્ટેબલ કુલવિન્દર સિંહ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આત્મસમર્પણ કર્યુ હતુ.

(12:00 am IST)