Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહે તેવી વકી : પ પરિબળો પર નજર

જીએસટી કાઉન્સિલ અને આરબીઆઈની બેઠક પર નજર રહેશે : મૂડીરોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવા ઇચ્છુક : ક્વોલિટી શેરો ઉપર વિશેષ ધ્યાન રહેશે : દલાલસ્ટ્રીટમાં મૂડીરોકાણને લઇને ચર્ચાઓ જારી

મંુબઈ, તા. ૧૭ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જીએસટીની બેઠક, આરબીઆઈ બોન્ડની બેઠક, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તંગદિલી સહિતના પાંચથી વધુ પરિબળોની સીધી અસર જોવા મળશે. દલાલસ્ટ્રીટમાં આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં હાલમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આવનાર સપ્તાહમાં રોકાણકારો સાવધાન રહી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા, મિશ્ર કમાણીના આંકડા, સરહદી તંગદિલી જેવા મુદ્દા પણ છવાયેલા રહેલા તેવી શક્યતા છે. ગયા સપ્તાહમાં શેરબજારમાં કાશ્મીરમાં પુલવામા હુમલાને લઇને ચર્ચાઓ રહી હતી. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ ૭૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૮૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૨૧૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૨૪ની નીચી સપાટીએ રહ્યો હતો. માર્કેટમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઉથલપાથળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીએનપી પરિબાષના લોકોનું કહેવું છે કે, હાલમાં મૂડીરોકાણકાઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને આગળ વધી શકે છે. અન્ય વૈશ્વિક પરિબળો પમ જવાબદાર દેખાઈ રહ્યા છે. થોડાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ પરિબળ સૌથી મહત્વપૂર્ણ રહેશે. રોકાણકારો હાલમાં ક્વાલીટી શેર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મૂળભૂતરીતે મજબૂત રહેલા શેરોમાં નાણા ઉમેરવાને લઇને કારોબારી ચિંતિત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલા માટે જવાબદાર લોકો સામે પગલા લેવાની વાત કર્યા બાદ આને લઇને બજારમાં ચર્ચા છે. મોદી કહી ચુક્યા છે કે, સુરક્ષા દળોને કોઇપણ નિર્ણય લેવા માટે ફ્રીેહન્ડ આપવામાં આવ્યો છે. ચન અને અમેરિકા વચ્ચે ખેંચતાણ પણ જારી છે. બીજી બાજુ શેરબજારમાં જીએસટી કાઉન્સિલની બેઠક ઉપર નજર રહેશે. આ બેઠક ૨૦મી ફેબ્રુઆરીના દિવસે મળનાર છે. આ બેઠકમાં સિમેન્ટ ઉપર ટેક્સને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવે તેવી શક્યતા છે. સાથે સાથે હાઉસિંગ અંગે જીઓએમની ભલામણો ઉપર વિચારણા કરવામાં આવશે. જીઓએમ દ્વારા હાલમાં નિર્માણ હેઠળ રહેલ પ્રોપર્ટી ઉપર પાંચ ટકા જીએસટી અને પોષાય તેવા આવાસ ઉપર ત્રણ ટકા જીએસટીની ભલામણ કરી છે. વૈશ્વિક પરિબળો પણ દેખાઈ રહ્યા છે જેમાં ચીન અને અમેરિકા વચ્ચે મંત્રણા પણ અગત્યની રહેનાર છે. આ સપ્તાહમાં કોઇ મોટા ડેટા સ્થાનિક મોરચે જારી કરવામાં આવનાર નથી પરંતુ વૈશ્વિક શેરબજારની અસર દેખાશે. આરબીઆઈ બોર્ડની બેઠક ૧૮મી ફેબ્રુઆરીના દિવસે મળશે. જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક ૨૦મીના દિવસે મળનાર છે.

 

 

 

(8:16 pm IST)