Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

2014માં સરકારે એક નિયમ બદલ્યો અને શહીદ થઈ ગયા CRPFના 40 જવાનો: સુબ્રમણ્યમ સ્વામીનો સરકાર પર આરોપ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થવાથી દેશ ખુબ આક્રોશમાં છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ આ હુમલાથી એકદમ કાળઝાળ છે. વિસ્ફોટકો ભરેલા કાર દ્વારા CRPFની બસને આત્મઘાતી હુમલામાં ઉડાવી દેવાની ઘટના માટે સ્વામીએ 2014માં સરકાર તરફથી બદલાયેલા એક નિયમને જવાબદાર ઠેરવ્યો.

વરિષ્ઠ નેતા અને વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વર્ષ 2014માં સરકારે નિયમમાં ફેરફાર કરતા ચેક પોઈન્ટ પર કોઈ પણ વાહનને રોકવાનો કે તેના પર બળ પ્રયોગ કરવાનો અધિકાર સુરક્ષાદળો પાસેથી છીનવી લીધો હતો. આ જ કારણે વિસ્ફોટક ભરેલી કાર સીઆરપીએફની બસ પાસે પહોંચી અને દેશે આટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું.

તેમણે જણાવ્યું કે સરકાર આ આદેશ એટલા માટે લાવી હતી  કારણ કે સેનાના કેટલાક જવાનોએ એક મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ જવાનો પર કેસ ચાલ્યો હતો અને આજે પણ તેઓ  જેલમાં છે.

અત્રે જણાવવાનું કે 3જી નવેમ્બર 2014ના રોજ બડગામમાં 53, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ એક સફેદ મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. આ કાર બે ચેક પોઈન્ટ તોડીને આગળ વધી રહી હતી. જવાનોને શંકા ગઈ કે તેમા આતંકીઓ હોઈ શકે છે. જવાનોએ કાર પર ફાયરિંગ કરતા બે યુવકો માર્યા ગયા હતાં

(12:07 pm IST)