Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ત્રિપુરા : કુલ ૨૦ આદિવાસી સીટ નિર્ણાયક બને તેવા સંકેત

વર્ષ ૨૦૧૪ બાદ સતત જોરદાર મહેનત કરવાના કારણે ભાજપે ત્રિપુરામાં પોતાની સ્થિતી મજબુત કરી : રિપોર્ટ

અગરતલા,તા. ૧૭: ત્રિપુરામાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે આ વખતે કોની સરકાર બનશે તેને લઇને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા છે. માણિક સરકાર જાળવી રાખવા માટે મક્કમ દેખાઇ રહી છે. છેલ્લા ૨૫ વર્ષથી ઉત્તરપૂર્વીય ત્રિપુરા રાજ્યમાં સીપીએમના નેતૃત્વમાં ડાબેરી સરકાર સત્તારૂઢ છે. આ વખતે ભાજપે તમામ તાકાત આ રાજ્યમાં લગાવી દીધી છે. તે પોતાની હાજરી પુરવાર કરવા માટે તૈયાર છે. ત્રિપુરામાં વર્ષ ૨૦૧૩માં છેલ્લે વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સીપીઆઇએમે ૪૯ સીટ જીતીને જોરદાર સપાટો બોલાવ્યો હતો. વર્ષ ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોઇ સીટ મળી ન હતી. તેને ૧.૫૪ ટકા મત મળ્યા હતા. બીજી બાજુ સીપીઆઇએમને ૪૮.૧૧ ટકા મત મળ્યા હતા. આ વખતે ત્રિપુરામાં ભાજપને સારા દેખાવની આશા દેખાઇ રહી છે.  વર્ષ ૨૦૧૩માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને ૧.૮૭ ટકા મત મળ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૪ બાદથી સતત મહેનત કરવાના કારણે ભાજપે ત્રિપુરામાં પોતાની સ્થિતી મજબુત કરી છે. ભાજપે પોતાના સંગઠનને મજબુત કર્યા બાદ તેના પાસેથી શાનદાર દેખાવની આશા જોવા મળી રહી છે. ભાજપના સાથી પક્ષે પણ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવા માટે ખાતરી આપ્યા બાદ તેની સ્થિતી મજબુત થઇ છે.

 

વર્ષ ૨૦૧૫માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ ભાજપે તમામ તાકાત ત્રિપુરામાં લગાવી દીધી હતી.ત્રિપુરામાં ૨૦ આદિવાસી સીટ જીત માટે ઉપયોગી રહેનાર છે. હાલમાં આ ૨૦ આદિવાસી સીટો પર ડાબેરી પ્રભુત્વ ધરાવે છે.

વર્ષ ૨૦૧૩ની સ્થિતિ....

કુલ બેઠક....................................................... ૫૯

સીપીઆઈએમ................................................ ૪૯

સીપીઆઈ...................................................... ૦૧

આઈએનસી.................................................... ૧૦

ભાજપ........................................................... ૦૦

સીપીઆઈએમની મત હિસ્સેદારી................ ૪૮.૧૧

સીપીઆઈની મત હિસ્સેદારી........................ ૧.૫૭

આઈએનસીની મત હિસ્સેદારી................... ૩૬.૫૩

ભાજપની મત હિસ્સેદારી............................. ૧.૫૪

(7:39 pm IST)