Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રાજસ્થાન : લગ્ન પ્રસંગ પર સિલિન્ડર બ્લાસ્ટ, ૯ના મોત

એક સિલિન્ડરથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરવાના ગાળા દરમિયાન બ્લાસ્ટ થતાં આગ ફાટી નિકળી : ભારે નુકસાનઃ બ્લાસ્ટના લીધે આસપાસની ઇમારતોને નુકસાન

બ્યાવર,તા. ૧૭: રાજસ્થાના બ્યાવરમાં એક ઘરની અંદર સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થઇ ગયા છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લગ્નના કાર્યક્રમ વેળા આ બનાવ બન્યો હતો. આ ગાળા દરમિયાન એક સિલિન્ડરથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરતી વેળા બ્લાસ્ટ થયો હતો. સેકન્ડોના ગાળામાં જ આગે વિનાશક સ્વરુપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક ત્રણ સિલિન્ડરોમાં બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાના કારણે લગ્ન પ્રસંગ આઘાતમાં ફેરવાઈ જતાં અફડાતફડી મચી ગઈ હતી. બ્યાવરના જે વિસ્તારમાં આગ બ્લાસ્ટ થયો તે વિસ્તારમાં સાંકડી શેરીઓ આવેલી છે. બ્લાસ્ટના કારણે ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો. આસપાસના વાહનોને પણ નુકસાન થયું હતું. કાટમાળ હેઠળ લોકો દબાઈ ગયા હતા. જેના લીધે તેમના મોત થયા છે. બ્લાસ્ટ એટલા પ્રચંડ હતા કે, કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આગમાં દાઝી ગયેલા લોકોને તરત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. અજમેર નજીક આવેલા બ્યાવરમાં લગ્ન પ્રસંગ વેળા સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના તાજેતરના સમયની સૌથી મોટી ઘટના તરીકે જોવામાં આવે છે. રાજસ્થાન સરકારે આ બનાવને લઇને દુખની લાગણી વ્યક્ત કરી છે. બીજી બાજુ પોલીસે મૃત્યુ પામેલા લોકોના મામલામાં તપાસ હાથ ધરી છે. મૃતકોની યાદી ટૂંકમાં જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સરકારે પોતાની રીતે તપાસ પણ હાથ ધરી છે. રાજસ્થાનના બ્યાવરની આ ઘટના આજે લોકોના ચર્ચાનો વિષય રહી હતી.

(7:37 pm IST)