Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આ બાપુને ૨૦૧૫માં ૬૦ કરોડનો ચૂનો લગાવી ચૂકયા છે નીરવ મોદીના કાકા

નવી દિલ્હી તા. ૧૭ : ભાવનગરની આ વ્યકિતને ૨૦૧૪દ્મક ખબર હતી કે ગીતાંજલિ જેમ્સનો માલિક અને નીરવ મોદીના કાકા મેહુલ ચોકસી કૌભાંડી છે. હીરાના આ વેપારી સામે આ ગુજરાતીએ કાયદાકીય પગલા લેવાની પણ કોશિશ કરી હતી. અહીં વાત થઈ રહી છે ભાવનગરના દિવ્યનિર્માણ જવેલ્સના દિગવિજયસિંહ જાડેજાની. તેમનું કહેવું છે કે ચોકસીએ તેમને ૩૬ કરોડ મૂડી અને ૨૪ કરોડ વ્યાજ એમ કુલ ૬૦ કરોડ રૂપિયા આપવાના બાકી છે. જાડેજાએ ૨૦૧૦માં ફ્રેન્ચાઈઝી ફી પેટે આ રૂપિયા ચૂકવ્યા હતા.

જાડેજાએ જણાવ્યું કે મેહુલ ચોકસી અને નીરવ મોદીએ કરેલો ગોટાળાનો આંકડો ૧૧૪૦૦ કરોડ કરતા અનેક ગણો મોટો હશે. જાડેજાએ જાન્યુઆરી ૨૦૧૫માં ચોકસી સામે FIR પણ ફાઈલ કરી હતી. જાડેજાનું કહેવું છે કે તેણે FIRના માધ્યમથી ગુજરાત હાઈકોર્ટમાં કેસ ફાઈલ કર્યો હતો. તેણે ચોકસીના ગોટાળા અંગે અધિકારીઓ અને સરકારને અનેક વાર ચેતવવાની કોશિશ કરી હતી. તેણે એ પણ આશંકા જતાવી હતી કે ચોકસીની કંપની પર બેન્કોનું ૯૮૭૨ કરોડનું દેવુ છે એટલે ચોકસી ગમે ત્યારે દેશ છોડીને ભાગી જશે અને તેનો પાસપોર્ટ જપ્ત થઈ જવો જોઈએ.

વધુમાં જાડેજાએ જણાવ્યું, 'હું મેહુલ ચોકસીને ૨૦૧૦થી ઓળખું છું. મને ૧૨ ટકા વ્યાજ અથવા તો માર્જિન (બંનેમાંથી જે ઊંચુ હોય) ચૂકવવાની શરતે મેં તેને ૧૦૬ કિલોના ગોલ્ડ બાર આપ્યા હતા. મને હજુ સુધી ગોલ્ડ બારની ૩૫ કરોડની રકમ નથી મળી. ૨૧ ઓગસ્ટ ૨૦૧૪માં મને ખબર પડી ગઈ હતી કે તે કૌભાંડી છે આથી મેં તેની સાથે કામકાજ કરવાનું બંધ કરી દીધું હતુ. મેં તેની સામે અમદાવાદ ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરિયાદ પણ નોંધાવી હતી. મેં ગુજરાત હાઈકોર્ટમાં તેની સામે એફિડેવિટ ફાઈલ કરી હતી. તેની સામે ૪૪ જેટલા છેતરપિંડીના કેસ છે અને તેને લોકોને છેતરવાની આદત છે.'

જાડેજા કહે છે, 'હું તેની મુંબઈ ઓફિસ સામે ધરણા પર પણ બેઠો હતો પરંતુ કોઈ ફાયદો નહતો થયો. ગીતાંજલી જવેલરી રિટેલ લિમિટેડના મારા સહિતના બીજા કેટલાંય ફ્રેન્ચાઈઝી માલિકોએ ચોકસીના આર્થિક ગોટાળાની સેબીના અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ તેનું કોઈ પરિણામ વ્યું નહતું. સરકાર અને સેબી બંનેને આ ગોટાળા વિષે જાણ હતી પરંતુ તેમણે કશું જ ન કર્યું. તેણે મોટી સંખ્યામાં રોકાણકારો અને ફ્રેન્ચાઈઝી માલિકોને છેતર્યા છે.'

જાડેજાએ ચોકસીને કૌભાંડી જાહેર કરવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેની અરજી રદ કરી દીધી હતી. જાડેજા જણાવે છે, 'ગુજરાત હાઈકોર્ટમાં મે ૨૦૧૭ દરમિયાન મારો કેસ ચાલતો હતો ત્યારે ચોકસીએ કોર્ટમાં મારી અરજી ખારિજ કરી દેવાની અરજી કરી હતી અને જણાવ્યું હતુ કે તેણે કોર્ટ બહાર મારી સાથે સુલહ કરી લીધી છે પરંતુ આ વાતમાં કોઈ માલ નથી.'જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં ફાઈલ કરેલી એફિડેવિટમાં લખ્યું છે, 'મેહુલ ચોકસીએ અનેક રીતે છેતરપિંડી કરી હતી. તેણે ન માત્ર બેન્કોને ચૂનો લગાડ્યો છે પરંતુ કન્વર્ટ ન કરી શકાય તેવા ડિબેન્ચર પણ ઈશ્યુ કર્યા છે અને તેના પર વ્યાજ નથી ચૂકવ્યું. તેણએ બધી જ ફ્રેન્ચાઈઝી પાસેથી ડિપોઝિટ લીધી હતી જે સેબીના નિયમની વિરુદ્ઘ હોવાની અમને પાછળથી ખબર પડી હતી. ચોકસીએ શગુન, તમન્ના, સ્વર્ણ લાભ, સ્વર્ણ મંગલ કળશ યોજના જેવા ચીટ ફંડ શરૂ કર્યા હતા અને નાના રોકાણકારો પાસેથી દર મહિને ૧૦૦૦થી ૫૦૦૦ રૂપિયા ડિપોઝિટ લઈને તેમને છેતર્યા હતા.'

જાડેજાએ જણાવ્યું, 'મેં હવે મારો સંપૂર્ણ વિશ્વાસ સુપ્રીમ કોર્ટમાં મૂકયો છે અને ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ચોકસી સામે સ્પેશિયલ લીવ પીટિશન ફાઈલ કરી છે. મને આશા છે કે આ દેશનું સર્વોચ્ચ ન્યાયાલય મારી વાત જરૂર સાંભળશે.' (૨૧.૧૦)

(11:34 am IST)