Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ન્યૂયોર્કની આ વૈભવી હોટેલમાં જલસા કરી રહ્યો છે કૌભાંડી નીરવ મોદી

પ્રત્યાર્પણના માધ્યમથી ઇન્ડિયા લાવવામાં આવશેઃ નીરવ પાસે છે બેલ્જિયમનો પાસપોર્ટ?

નવી દિલ્હી તા. ૧૭ : વિદેશ મંત્રાલયે હીરાની કારોબારી કરતા નીરવ મોદી અને તેના બિઝનેસ પાર્ટનર તથા કાકા મેહુલ ચોકસીનો પાસપોર્ટ ચાર અઠવાડિયા માટે સસપેન્ડ કરી દીધો છે. બંને પર પંજાબ નેશનલ બેન્કને ૧૧,૩૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યાનો આરોપ છે. તેમાં કેટલાંક બેન્ક અધિકારીઓની સંડોવણીની પણ આશંકા છે. આ વચ્ચે રિપોર્ટ્સ એવા છે કે નીરવ અત્યારે ન્યુ યોર્કની એક વૈભવી હોટેલમાં છે.

 

નીરવ મોદી પર ગાળિયો કસવા અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને તેમનો પાસપોર્ટ કેમ સસપેન્ડ કરવામાં ન આવે તેનું કારણ અઠવાડિયામાં નહિ આપી શકે તો તેમનો પાસપોર્ટ સાત જ દિવસમાં સસપેન્ડ કરી દેવાશે. સરકારની અનેક તપાસ એજન્સીઓ મોદીની સંપત્તિ અંગે વધુ શોધખોળ કરી રહી છે. ઈનકમ ટેકસ વિભાગે અસ્થાયી રૂપે મોદી અને તેના પરિવારની ૨૯ સંપત્ત્િ। અને ૧૦૫ બેન્ક ખાતાને જપ્ત કર્યા છે. અહીં આ હિલચાલ ચાલી રહી છે ત્યારે નીરવ ન્યુ યોર્કની લકઝરી હોટેલમાં આરામ ફરમાવી રહ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતાને જયારે નીરવ મોદીના લોકેશન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'તે અમારા કોઈપણ અધિકારીના સંપર્કમાં નથી અને તેના લોકેશન અંગે અમને કોઈ જાણકારી નથી.' જો કે ન્યુઝ ટીવી ચેનલોનો દાવો છે કે તેમને નીરવ મોદી કયાં છે તે ખબર પડી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીરવ જેડ બ્લુ મેરિયટના એસેસ હાઉસના ૩૬માં ફલોર પર સ્વીટમાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું, 'પાસપોર્ટ રદ કર્યા બાદ નીરવ કયાંય નહિ જઈ શકે. તે જયાં છે તે જ દેશમાં રહેશે.' પાસપોર્ટને સસપેન્ડ કરીને સરકાર નીરવને અમેરિકામાં જ રાખવા માંગે છે. જો કે નીરવ પાસે કોઈ બીજા દેશનો પાસપોર્ટ કે પેપર્સ હશે તો સરકારની આ યોજના પર પાણી ફરી વળે તેવી પૂરેપૂરી શકયતા છે.

જો તે અમેરિકાથી કોઈ બીજા દેશમાં ભાગી જાય છે તો પણ તે સરકારના સકંજામાંથી છૂટી નહિ શકે. કોઈ બીજા દેશનો પાસપોર્ટ કે પેપર્સ હોવાને કારણે તેની સામે ફ્રોડનો કેસ બનશે અને તેને પ્રત્યાર્પણના માધ્યમથી ભારત લાવવામાં આવશે. જો કે નીરવને અદાલતમાં ખડો કરવામાં વધારે સમય લાગશે કારણ કે પ્રત્યાર્પણની પ્રકિયા ઘણી લાંબી અને જટિલ હોવાથી વધુ સમય લે છે.

હીરાના વેપાર સાથે જોડાયેલા કેટલાંક લોકોનો દાવો છે કે તેમણે નીરવને બેલ્જિયમ પાસપોર્ટ પર ટ્રાવેલ કરતા જોયો છે. નીરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નીરવ, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોકસીએ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ દેશ છોડી દીધો હતો.(૨૧.૬)

 

(10:13 am IST)