Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કૌભાંડ ૧૧,૦૦૦ નહિ ૬૦,૦૦૦ કરોડનું ! ૧૪૩ LOUથી ૪૮૮૬ કરોડ કટકટાવાયા

આરટીઆઇ હેઠળ મળેલી માહિતી સનસનાટી મચાવે છેઃ છેલ્લા પ વર્ષમાં બેંકમાં લોન ફ્રોડની ૮૬૭૦ ફરિયાદો સામે આવીઃ જે કુલ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની છેઃ મહાકૌભાંડના મોટાભાગના એલઓયુ ર૦૧૭-૧૮ દરમિયાન જારી કરવામાં આવ્યા હતાઃ એફઆઇઆરમાં ઉલ્લેખઃ નિરવ મોદી અને મેહુલ ચોકસીએ ત્રણ કંપનીઓ થકી ૪૮૮૬.૭ર કરોડ રૂપિયા મેળવ્યા

નવી દિલ્હી તા.૧૭ : પંજાબ નેશનલ બેંકમાં ૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ થતા રોકાણકારો પરેશાન છે પરંતુ આ સમસ્યા ઘણી ગંભીર હોઇ શકે છે. આરબીઆઇના આંકડાનું માનીએ તો બેન્કીંગ સેકટરમાં થયેલ લોન ફ્રોડની રકમ ૧૧,૦૦૦ કરોડથી અનેકગણી વધારે છે. આરબીઆઇ પાસેથી આરટીઆઇ થકી મળેલી માહિતી અનુસાર છેલ્લા પ વર્ષથી ૩૧ માર્ચ ર૦૧૭ સુધીમાં લોન ફ્રોડના ૮૬૭૦ મામલા સામે આવ્યા છે જે કુલ ૬૦,૦૦૦ કરોડના છે.

 

આરટીઆઇ હેઠળ મળેલી માહિતી અનુસાર બેન્કીંગ સેકટરમાં બેડ લોનના કેસ ગયા વર્ષે કુલ ૧૪૯ બીલીયન ડોલર સુધી પહોંચ્યા હતા. તાજા નાણાકીય વર્ષમાં બેંક લોન ફ્રોડ પણ ઝડપથી વધીને ૧૭૬.૩૪ બીલીયન રૂ. સુધી પહોંચી ચુકયો છે. ડેટા અનુસાર ર૦૧ર-૧૩માં આ આંકડો ૬૩.પ૭ બીલીયન રૂ. હતો જેમાં પીએનબીનો ફ્રોડ સામેલ નથી.

 

દરમિયાન એવુ જાણવા મળે છે કે ૧૧,પ૦૦ કરોડના આ કૌભાંડમાં મોટાભાગના શાખ પત્ર એટલે કે લેટર ઓફ અંડર સ્ટેન્ડીંગ ર૦૧૭-૧૮ દરમિયાન જ જારી કરવામાં આવ્યા હતા કે તેને રીન્યુ કરાયા હતા. ઇન્ડિયન એકસપ્રેસના કહેવા મુજબ ગુરૂવારે વધુ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જે હેઠળ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસી અને નિરવ મોદીએ પોતાની ત્રણ કંપનીઓ થકી પીએનબીમાંથી ૪૮૮૬.૭ર કરોડ રૂપિયા મેળવ્યા હતા. બેંકમાંથી આ રકમ ૧૪૩ લેટર ઓફ અંડર સ્ટેન્ડીંગ થકી મેળવવામાં આવી હતી. સૌ પહેલા ૮ શાખ પત્ર થકી ર૮૦.૭૦ કરોડના કૌભાંડની વાત સામે આવી હતી. એફઆઇઆરમાં જણાવાયુ છે કે આ બધા પત્રો ર૦૧૭માં જારી થયા હતા. જે આધાર પર પ્રથમ એફઆઇઆર હેઠળ લગભગ ૬૪૯૮ કરોડનું કૌભાંડ બની રહ્યુ છે.

સીબીઆઇની પુછપરછમાં એવુ સામે આવ્યુ છે કે, મોદી અને ચોકસીએ શાખ પત્ર રીન્યુ કરાવવાનો ખેલ પણ કર્યો અને મોટી રકમ પણ મેળવી હતી. કુલ ૧૪૩ શાખ પત્રોનો ઉલ્લેખ છે જે થકી ૪૮૮૬ કરોડ જારી કરવામાં આવ્યા હતા. આ રકમ ૩ કંપનીઓ ગીતાંજલી જેમ્સ, નક્ષત્ર અને ગીલીને ર૦૧૭-૧૮માં જારી થઇ હતી. આ સમગ્ર મામલો ૧૧,પ૦૦ કરોડના ર૯૩ શાખ પત્રોનો છે.(૩-૪)

 

(11:32 am IST)