Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ઇડીની મોટી કાર્યવાહી : હવાલા રેકેટમાં સામેલ ચાર્લી પેંગ સહીત 2 ચીની નાગરિકોની ધરપકડ

બન્ને ચીની નાગરિકો દિલ્હીમાં રહીને ચીનની કંપનીઓ માટે મોટો હવાલા રેકેટ ચલાવી રહ્યાં હતા

નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ED)એ ચીનના બે નાગરિકોની મની લૉન્ડ્રિંગના આરોપ હેઠળ ધરપકડ કરી છે. જેમાંથી એકનું નામ ચાર્લી પેંગ  અને બીજાનું નામ કાર્ટર લી છે. આ બન્ને ચીની નાગરિકો દિલ્હીમાં રહીને ચીનની કંપનીઓ માટે મોટો હવાલા રેકેટ ચલાવી રહ્યાં હતા અને ભારત સરકારની તીજોરીને કરોડોનું નુક્સાન પહોંચાડી રહ્યાં હતા ગત વર્ષે જ ચાર્લી પેંગના  ઠેકાણાં પર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલએ પણ તાજેતરતમાં જ ચાર્લી વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

, EDએ ચાર્લી  વિરુદ્ધ ઓગસ્ટમાં જ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આટલા લાંબા સમય સુધી ED ચાર્લી પેંગની તમામ લેવડ-દેવડની તપાસ કરી રહી હતી. તપાસમાં સામે આવ્યું કે, ચાર્લી પેંગે માત્ર ભારતના હવાલા રેકેટમાં જ સામેલ નહતો, તે તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાની જાસૂસી પણ કરી રહ્યો હતો.

 

ચાર્લી પેંગ બોગસ કંપનીઓ બનાવીને હવાલા નેટવર્ક ચલાવી રહ્યો હતો. દિલ્હી-NCRની સાઈબર સિટી ગુરુગ્રામના સેક્ટર-59 ગોલ્પ કોર્સ રોડ સ્થિત પર્મ સ્પ્રિંગ પ્લાઝાના સરનામા પર ચાર્લીએ ઈનવિન લૉજિસ્ટિક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની રજિસ્ટર્ડ કરાવી હતી. જો કે પ્લાઝાના મેનેજરના જણાવ્યા મુજબ, અહીં કોઈ ચીની કંપની હતી જ નહી.આજ પ્રકારે ખોટા સરનામા થકી ચાર્લીએ  શેલ કંપનીઓ બનાવીને પૈસાની લેવડ-દેવડ કરી રહ્યો હતો. તપાસ એજન્સીએ ચાર્લીને દિલ્હા અને ગુરુગ્રામના એ તમામ સરનામા વિશે પૂછપરછ કરી છે, જેના આધારે તેણે પોતાનું આધાર કાર્ડ બનાવ્યું અને ભારતમાં બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ચાર્લી પેંગેહવાલા થકી જે પૈસા મંગાવ્યા, તે તિબેટિયનોને આપવામાં આવ્યા અને આશંકા છે કે, તે તેનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવ્યો.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સુત્રો મુજબ, ઈન્કમટેક્સ વિભાગે તેમને 2 ડઝન જેટલા તિબેટિયનોના નામ આપ્યા છે. જેમાંથી કેટલાક લોકો દિલ્હીના છે, જ્યારે અન્ય સાઉથ ઈન્ડિયામાં રહે છે. જેમની સાથે ચાર્લી પેંગે લેવડ-દેવડ કરી છે.

(7:20 pm IST)