Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પાકિસ્‍તાન ચૂંટણી પંચ આકરા પાણીએઃ આવક અંગે જરૂરી જાણકારી ન આપવાના આરોપમાં 318 સાંસદો-ધારાસભ્‍યોની સદસ્‍યતા સસ્‍પેન્‍ડ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ચૂંટણી પંચે આવક અંગે જરૂરી જાણકારી ન આપવાના આરોપમાં 318 સાંસદો અને વિધાયકોની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. જેમાં ઈમરાન ખાન સરકારના મંત્રી પણ સામેલ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ સાંસદો અને ધાસાભ્યોએ નિર્ધારિત સમયની અંદર પોતાની વાર્ષિક આવક, સંપત્તિઓ અને જવાબદારીઓનું વિવરણ ચૂંટણી પંચમાં જમા કરાવ્યું નથી. આ સાંસદ અને ધારાસભ્યો સંસદ અને વિધાનસભાની કાર્યવાહીઓનો ભાગ બની શકશે નહીં. આ આશયની સૂચના સંસદ અને ચારેય પ્રાંતની વિધાનસભાઓના સચિવોને આપી દેવાઈ છે.

જે મંત્રીઓની સદસ્યતા સસ્પેન્ડ થઈ છે તેમાં ઈમરાન ખાન સરકારના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરી અને ધાર્મિક મામલાઓના મંત્રી નૂર ઉલ હક કાદરી સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ સંસદના નિચલા ગૃહ નેશનલ એસેમ્બલીના 70 અને ઉપલા ગૃહ સેનેટના 12 સભ્યોની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે. પંજાબ વિધાનસભાના 115, સિંધ વિધાનસભાના 40 અને ખેબર પખ્તૂનખ્વા વિધાનસભાના 60 તથા બલુચિસ્તાન વિધાનસભાના 21 સભ્યોની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે.

જે કાયદા હેઠળ આ જનપ્રતિનિધિઓની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે તેમાં સાસદો-વિધાયકોએ પોતાની, પોતાના પતિ કે પત્નીની તથા તેમના પર નિર્ભર સંતાનોની સંપત્તિઓનું વિવરણ વાર્ષિક સ્તર પર આપવું જરૂરી હોય છે.

(4:56 pm IST)