Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

બે મહિનામાં ૪૪૫ લોકો બાંગ્લાદેશ પાછા ફર્યાઃ સંખ્યા વધતી જાય છે

ગોહાતી,તા.૧૭: દેશમાં ખાસ કરીને પૂર્વોતર રાજ્યોમાંથી બાંગ્લાદેશી લોકોના આંકડાઓ પર નજર નાખીએ તો ૨૦૧૭માં ભારતથી બાંગ્લાદેશ પાછા જવાની કોશિષ કરતા ૧૭૦૦ લોકોને સરહદ પર પકડવામાં આવ્યા હતા. ૨૦૧૮માં આ આંકડો ૨૮૦૦નો હતો. ૨૦૧૯નાં આંકડાઓ સરકારે હજુ જાહેર નથી કર્યા.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ ૨૦૧૯ના પોતાના રિપોર્ટ માં સ્વીકાર્યું છે કે ભારતથી બાંગ્લાદેશ પરત જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ લોકોમાં મોટાભાગના મુસ્લિમો છે. બોર્ડર ગાર્ડસ બાંગ્લાદેશ (બીજીબી)ના મેજર જનરલ શફીનુલ ઇસ્લામ એક પ્રતિનિધિ મંડળ સાથે ૨૬મી ૨૯ ડીસેમ્બર ભારતની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન તે કોલકતા, ગૌહતી, શિલોંગ અને અગરતલા ગયા હતા. જ્યાં તેમણે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

શફીનુલ ઇસ્લામે સ્વીકાર્યું કે, હાલમાં ભારતથી બાંગ્લાદેશ અથવા સીમાપાર જવાની કોશિષની ઘટનાઓમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે આસામની એનઆરસી યાદી પ્રકાશિત થયા પછી નવેમ્બર અને ડીસેમ્બર દરમ્યાન ૪૪૫ લોકો ભારતમાંથી બાંગ્લાદેશ પાછા ફર્યા છે. બીજીબીએ ગેરકાયદેસર રીતે ભારતથી બાંગ્લાદેશ પાછા ફરવાની કોશિષ કરતા ૧૦૦૦ લોકોને ૨૦૧૯માં પકડયા છે. બીજીબી ફકત યોગ્ય દસ્તાવેજોનું વેરીફીકેશન અને સ્થાનિક પ્રતિનિધિની હાજરી પછી જ ભારતમાંથી લોકોને પાછા બાંગ્લાદેશમાં આવવા દે છે. તેમણે કહ્યું કે એનઆરસીએ સંપૂણે પણે ભારતની આંતરિક બાબત છે.

(3:43 pm IST)