Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ટ્રમ્પે કંઇક એવું કહ્યું કે મોદી બેઠક છોડી ચાલ્યા ગયેલ

પુલિત્ઝર પ્રાઇસ વિજેતા અમેરીકી લેખકોના નવા પુસ્તકમાં મોટો વિસ્ફોટઃ ભારત-ચીન સરહદ પ્રશ્ને ટ્રમ્પનું બેજવાબદાર નિવેદન : ટ્રમ્પ એવું પણ માનતા હતા કે નેપાળ અને ભૂતાન બંને ભારતમાં છેઃ ટ્રમ્પના અનેક છબરડા જાહેર થયા

જગતજમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાની ભૌગિલિક સ્થિતિનો બિલકુલ અંદાજો નથી. પોતાને જાહેરમાં 'જીનીયસ' કહેતા ટ્રમ્પના ઇતિહાસ અને ભૂગોળ અંગેના જ્ઞાનનો તમે એ વાત પરથી અંદાજો લગાવી શકો છો કે તેમને એ ખબર નથી કે ભારતની સરહદ ચીન સાથે લાગે છે. જી હા એકવાર તેમણે ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ત્યાં સુધી કહ્યું હતું કે, ભારતની સરહદ ચીન સાથે નથી. આ વાત સાંભળતા જ મોદી આશ્યર્યમાં મૂકાઈ ગયા હતા. બાદમાં તેમના હાવભાવ ચિંતામાં બદલાઈ ગયા હતા. આ અંગે ટ્રમ્પના એક સાથીદારે કહ્યું હતું કે, 'એ  બેઠક વડાપ્રધાન મોદીએ અધવચ્ચે જ છોડી દીધી હતી. એ વખતે મોદીના હાવભાવ જાણે એવું કહી રહ્યા હતા કે, ટ્રમ્પ એક ગંભીર વ્યકિત નથી. હું આવી વ્યકિતને મારા સાથીદાર તરીકે ના સ્વીકારી શકું.' આ અમે નથી કહી રહ્યા પરંતુ એક નવા પુસ્તકમાં આ દાવો કરાયો છે.

આ દાવો અમેરિકન અખબાર 'વોશ્િંગટન પોસ્ટ'ના પુલિત્ઝર જીતી ચૂકેલા બે પત્રકાર ફિલિપ રકર અને કેરોલ લિઓનિંગે પોતાના નવા પુસ્તક 'અવર સ્ટેબલ જિનિયસ'માં કર્યો છે. આ પત્રકારોને બે વખત પુલિત્સર પ્રાઈઝ મળી ચૂકયું છે. ટ્રમ્પે ભારત-ચીન મુદ્દે કરેલી ટિપ્પણી અંગેનો આ દાવો ટ્રમ્પના નજીકના સાથીદારોની વાતચીતના આધારે કરાયો છે. ૪૧૭ પાનાંના આ પુસ્તકમાં કહેવાયું છે કે, 'ટ્રમ્પની આ ટિપ્પણીએ ભારત-અમેરિકાના રાજકીય સંબંધને એક પગલું પાછળ ધકેલી દીધા હતા.' જોકે, ટ્રમ્પ કઈ બેઠકમાં આવું બોલ્યા હતા એ વિશે પુસ્તકમાં ઉલ્લેખ નથી, પરંતુ એવું કહેવાય છે કે, આ દ્યટના ટ્રમ્પ-મોદીની પહેલી મુલાકાત વખતની છે. આ પુસ્તકમાં ટ્રમ્પના પહેલાં ત્રણ વર્ષની આવી અનેક દ્યટનાઓ અંકિત છે.

અમેરિકન સરકારના પૂર્વ સલાહકારો પણ ટ્રમ્પના આવા અનેક અજ્ઞાન વિશે જાહેરમાં કહી ચૂકયા છે. ટ્રમ્પ એવું પણ વિચારતા હતા કે, નેપાળ અને ભુતાન ભારતમાં જ છે. ગયા વર્ષે ટ્રમ્પે કહ્યું હતું કે, 'મોદીએ જાપાનના ઓસાકામાં જી-૨૦ શિખર સંમેલનમાં કાશ્મીર મુદ્દો ઉકેલવા મારી મધ્યસ્થી માંગી હતી.' જોકે, આ વાતને ભારતીય વિદેશ મંત્રાલયે જૂઠી ગણાવી હતી.

બિઝનેસમેન માંથી રાજકારણમાં આવેલા ટ્રમ્પે ૨૦૧૬માં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી અને ૨૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ તેમણે પદભાર સંભાળ્યો. જો કે વોશિંગ્ટન પોસ્ટમાં એ વર્ષ નથી જણાવ્યું જયારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ટિપ્પણીઓ કરી. બંને પત્રકાર એ ટીમમાં સામેલ હતા જેને ટ્રમ્પ અને રૂસ પર પોતાના રિપોર્ટિંગ માટે ૨૦૧૮નો પુલિત્ઝર પુરસ્કાર જીત્યો હતો.

 બંને પત્રકારોનો દાવો છે કે ભારત-ચીનને લઇ ટ્રમ્પના ભૌગોલિક જ્ઞાનનો સંકેત મેળવી મોદીની આંખો પહોળી થઇ ગઇ હતી અને તેમના હાવ-ભાવ પરથી હેરાની સ્પષ્ટ દેખાતી હતી. ભારત અને ચીનની વચ્ચે ૩૪૮૮ કિલોમીટર લાંબી LAC પર સરહદ વિવાદ વણઉકેલાયો છે. મોદી અને ટ્રમ્પની વચ્ચે જો કે સારી દ્યનિષ્ઠતા છે.

 ટ્રમ્પના નિવેદન પછી ગૂગલ પર ભારત-ચીન સરહદ અંગે સર્ચનવા પુસ્તકમાં ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યા પછી ગૂગલ પર ભારત-ચીન સરહદ અંગે સર્ચ વધી ગયું હતું. લોકોએ ભારત-ચીન સરહદના નામ, લંબાઈ અને એ સ્થળો વિશે સર્ચ કર્યું હતું, જે ત્યાં મોજુદ છે. નોંધનીય છે કે, ભારત-ચીન વચ્ચે ૩,૪૮૮ કિ.મી. લાંબી એકચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) છે, જયાં અનેક સ્થળે સરહદી વિવાદ છે.

(12:59 pm IST)