Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

એવરેસ્ટ ઓગળે છેઃ ચીન-નેપાળ પર ખતરો

આવતા ૧૦૦ વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ ઉપરનો ૧૦ ફુટ બરફ પીંગળી જશેઃ અમેરીકી નિષ્ણાંતોની ચેતવણી

વોશિંગ્ટનઃ અમેરિકન સેટેલાઈટ કેરોનાએ દશકાઓ સુધી પાડેલી તસવીરોનો અભ્યાસ કરીને અમેરિકન નિષ્ણાતોએ એવી દહેશત વ્યકત કરી હતી કે એવરેસ્ટનો બરફ દર વર્ષે આઠ ઈંચ પીગળી જતો હોવાથી ચીન-નેપાળ જેવા દેશો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

 મૂળ તો એનો ઉદેશ્ય રશિયાની જાસૂસી કરવાનો હતો, પરંતુ સમયાંતરે એની તસવીરો અન્ય અભ્યાસમાં પણ કામ લાગે છે. ૧૯૯૫ પછી આ સેટેલાઈટે પાડેલી તસવીરો ટોપ સિક્રેટની કેટેગરીમાં આવતી હતી, પરંતુ તે પછી તેને જાહેર કરવામાં આવી હતી.

આ સેટેલાઈટે ૧૯૬૨થી ૨૦૧૮ સુધીમાં લગભગ આઠ લાખ કરતા વધુ તસવીરો પાડી છે. એ તસવીરોમાં હિમાલયન રેન્જની અઢળક તસવીરોનો પણ સમાવેશ થાય છે. એન્ડ્રૂઝ યુનિવર્સિટીએ હાથ ધરેલા પ્રોજેકટમાં એવરેસ્ટની દશકાઓની તસવીરોનો અભ્યાસ કરાયો હતો.

એનું પરિણામ ચોંકાવનારૃં મળ્યું હતું. એવરેસ્ટમાં દર વર્ષે આઠ ઈંચ બરફની ચાદર પીગળી જાય છે. આ ઝડપે બરફ પીગળશે તો ૧૦૦ વર્ષમાં લગભગ આઠથી ૧૦ ફૂટ બરફ પીગળી જશે અને તેની સૌથી વધુ ખતરનાક અસર ચીન અને નેપાળ ઉપર પડશે.

સંશોધકોએ દાવો કર્યો હતો કે એવરેસ્ટમાંથી જે પીવાનું પાણી મળે છે તે સાવ ખતમ થઈજશે. તેના કારણે ચીન-નેપાળ-તિબેટને મોટું નુકસાન થશે.બરફ નરમ પડશે એટલે પર્વતારોહકો માટે ય ખતરો બનશે. એવરેસ્ટના બે ગ્લેશિયર પૈકી ખુંબુકનો અત્યાર સુધીમાં ૨૬૦ ફૂટ બરફ પીગળી ચૂકયો છે અને ઈમજા ગ્લેશિયરનો ૩૦૦ ફૂટ બરફ પીગળ્યો છે.

(12:58 pm IST)