Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી

રાજ ઠાકરેના પક્ષને તેજસ એકસપ્રેસના કર્મચારીઓને ગુજરાતી ડ્રેસ અપાતા વાંધો : નો-એન્ટ્રીની ધમકી

મુંબઇ, તા.૧૭ : રેલવે ભારતની બીજી ખાનગી ધોરણે સંચાલિત તેજસ એકસપ્રેસ ટ્રેન માટે સજજ છે જે રાજવી ઠાઠમાઠ સાથે અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડશે. જોકે એ ટ્રેન દોડતા દોડશે, પણ એ પહેલા જ વિવાદ ઉભો થઇ ગયો છે એના રેલવે કર્મચારીઓને અપાયેલા પરંપરાગત ગુજરાતી પહેરવેશનો. એમએનએસે એવી ધમકી આપી છે કે બદલી નાખો આ પહેરવેશ, નહીં તો ટ્રેનને મુંબઇમાં જ પ્રવેશવા નહીં દઇએ.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ જણાવ્યું કે 'ટ્રેન પરના હોસ્ટ અને હોસ્ટેસને આપવામાં આવેલો પરંપરાગત ગુજરાતી યુનિફોર્મ જો બદલવામાં આવશે નહીં તો તેઓ આ ટ્રેનને મુંબઇમાં પ્રવેશવા દેશે નહીં.'

ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્ર એ બન્ને રાજયોને સેવા પૂરી પાડે છે અને એમાં માત્ર ગુજરાતી પોષાકનેે જ યુનિફોર્મ તરીકે રાખવામાં આવે એ અયોગ્ય છે એમ એમએનએસ પક્ષના મિલિન્દ પંચાલે જણાવ્યું હતું.

આ ટ્રેન માટે વેસ્ટર્ન રેલવેએ એની વર્તમાન ૧૩ ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. ટ્રેનમાં મળતી સુવિધાઓમાં ટ્રેનને વિલંબ થયે નાણાકીય વળતર અને પચીસ લાખ રૂપિયાના ઇન્શ્યોરન્સ કવરની સાથે મુસાફરી દરમ્યાન થતી ચોરી સામે કવરનો પણ સમાવેશ થાય છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલ શુક્રવારે આ ટ્રેનને લીલી ઝંડી આપશે તથા ૧૯ જાન્યુઆરીથી આ ટ્રેન મુસાફરો માટે નિયમિતપણે દોડશે.

ટ્રેનના મેન્યુમાં કોમ્બડી રસ્સા, ભાખરવડી, કોંકણી ચિકન, ગુજરાતી કઢી તથા ખાખરા સહિત ગુજરાતી અને મરાઠી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ-મુંબઇના સિંગલ પ્રવાસની ટિકિટ ૧૬૦૦ રૂપિયા છે તથા બાળકો માટે કોઇ વળતર રાખવામાં આવ્યું નથી. ટ્રેન માગ અનુસાર ટિકિટ દર ધરાવે છે. મંદ, વ્યસ્ત અને તહેવારોની મોસમ અનુસાર ભાડું જુદું જુદું રહેશે. આઇઆરસીટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'આઇઆરસીટીસીની ટ્રેનમાં પ્રવાસ કરનારા તમામ મુસાફરોને રપ લાખ રૂપિયા સુધીનો રેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિનામૂલ્યે આપવામાં આવશે.'

તેમણે ઉમેર્યું હતું કે આ કોમ્પ્લિમેન્ટરી ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં મુસાફરોના પ્રવાસના સમય દરમ્યાન ચોરી કે લૂંટ સામે એક લાખ રૂપિયાના કવરેજનો પણ સમાવેશ થાય છે.

આ વિશિષ્ટ લાક્ષણિકતા ઉપરાંત જો ટ્રેન એક કલાક કરતા વધુ મોડી પડી તો આઇઆરસીટીસી ૧૦૦ રૂપિયા વળતરપેટે અને બે કલાક કરતા વધુ મોડી પડી તો રપ૦ રૂપિયા વળતરપેટે પ્રત્યેક પ્રવાસીને ચૂકવશે એમ તેમણે જણાવ્યું હતું.

(10:08 am IST)