Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઘણી નવી આશાઓ વચ્ચે કાલથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગ્લોબલ સમિટનું વિધિવત ઉદ્ઘાટન કરશે : ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત સમિટમાં રેકોર્ડ કરાર કરાશે : પાંચ દેશોના વડાઓ, ૩૦૦૦૦ પ્રતિનિધિ રહેશે : અંબાણી સહિત દિગ્ગજ હાજર

અમદાવાદ,તા.૧૭ : જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં રાહ જોવામાં આવી રહી છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલે અનેક પ્રકારની અપેક્ષાઓ વચ્ચે શરૂઆત થઇ રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૯મી આવૃત્તિનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવનાર છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન આવતીકાલથી ગાંધીનગરમાં ઐતિહાસિક મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ખાસ મહેમાનો અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં મોદી આવતીકાલે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં કરોડોના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવે તેવી શક્યતા પણ છે. તમામ ટોપના ઉદ્યોગપતિઓ પહોંચી ચુક્યા છે. મોદી આ સમિટ દરમિયાન ઉદ્ઘાટન કર્યા બાદ બપોરે જુદા જુદા દેશોના વડાઓ સાથે વન ટુ વન બેઠક યોજશે. આ ઉપરાંત પાંચ દેશોના વડા અને ૩૦૦૦૦થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ આમા ભાગ લઇ રહ્યા છે. ભારત અને વિદેશની મહાકાય કંપનીઓના ટોપના સીઈઓ પણ આમા ભાગ લઇ રહ્યા છે. ભારતીય બિઝનેસના દિગ્ગજો પણ આમા ભાગ લઇ રહ્યા છે જેમાં મુકેશ અંબાણી, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલાનો સમાવેશ થાય છે. જાણકાર લોકોના કહેવા મુજબ આવતીકાલે સવારે ત્રણ દિવસીય સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ સૌથી પહેલા જુદા જુદા દેશોના વડાઓ સાથે મોદીની બેઠક રહેશે. ત્યારબાદ મોદી જુદા જુદા દેશોના વડાઓ ઉપરાંત વૈશ્વિક કંપનીઓના ટોપ કારોબારીઓ અને સીઈઓ સાથે વાતચીત કરશે. આ રાઉન્ડ ટેબલ વાતચીત ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે. ગ્લોબલ વેલ્થ ફંડ, પેન્શન ફંડ અને સંસ્થાકીય મૂડીરોકાણકારોના વડાઓ સાથે આ બેઠક થશે. ત્યારબાદ આવતીકાલે મોડી સાંજે વીવીઆઈપી મહેમાનો સાથે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગ્લોબલ કંપનીઓના ટોપ કારોબારીઓ અને સીઈઓ આમા હાજરી આપી રહ્યા છે તેમાં ડીપી વર્લ્ડ, સુઝુકી, બીએએસએફનો સમાવેશ થાય છે.  દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલથી વિધીવત રીતે ભવ્ય શરૂઆત થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી હતા ત્યારે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદથી તેનુ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. મહાત્મા મંદિર ખાતે શુક્રવારથી આની શરૂઆત થઇ રહી છે. તમામ ટોપના ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આજે નિર્ધારિત સમય મુજબ ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાત યાત્રા દરમિયાન તેમના ભરચક કાર્યક્રમો છે. જેમાં પ્રથમ દિવસે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે મહાત્મા મંદિર સહ એક્ઝીબિશન સેન્ટર પર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. સાંજે મોદી અમદાવાદમાં નવા વીએસ હોસ્પિટલનનુ લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનપ ઉદ્ઘાટન કર્યું હતું. વીએસ લોકાર્પણ વેળા અને શોપિંગ ફેસ્ટિવલના ઉદ્ઘાટન વેળાએ મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. મોદી મહાત્મા મંદિરમાં કેટલાક વરિષ્ઠ અધિકારીને મળશે. રાત્રે ખાસ ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી રહ્યા છે. આગલા દિવસે મોદી મહાત્મા મંદિરમાં પહોંચશે. ત્યાં અધિકારીઓ અને મહેમાનોને મળશે. ત્યારબાદ સવારે દસ વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનુ ઉદ્ઘાટન કરનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવમાં વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમ્મેલનનુ ઉદ્ઘાટન કરનાર છે. વડાપ્રધાન મોદીની સાથે ઉદ્ઘાટન વેળા મંચ પર દેશ અને વિદેશના ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. જે ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ સામેલ છે. આ વખતે આ યાદીમાં રિલાયન્સ અંબાણી ગ્રુપના સીએમડી અનિલ અંબાણીનુ નામ સામેલ કરવામાં આવ્યુ નથી. સામાન્ય રીતે તેઓ દરેક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે.

 આ વખતે રાફેલ ડીલને લઇને જારી વિવાદના કારણે અનિલ અંબાણી નજરે પડી રહ્યા નથી.  મોદીની સાથે જે ઉદ્યોગપતિઓ હાજર રહેનાર છે તેમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ પણ હાજર રહેનાર છે. તમામ ઉદ્યોગપતિઓની હાજરીમાં ગુજરાતમાં અબજોના રોકાણની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

(9:00 pm IST)