Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

૧૧૭ વર્ષમાં ૨૦૧૮ છઠ્ઠું સૌથી ગરમ વર્ષ રહ્યું

જળવાયુ પરિવર્તનની અસર વધી : દેશના એવરેજ તાપમાનમાં સરેરાશ ૦.૪૧ ડિગ્રીનો વધારો નોંધાયો

નવી દિલ્હી તા. ૧૭ : તાપમાનની દ્રષ્ટીએ ગયુ વર્ષ ૧૧૭ વર્ષમાં છઠ્ઠું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. દેશના એવરેજ તાપમાનમાં સરેરાશ ૦.૪૧ ડિગ્રીનો વધારો નોંધવામાં આવ્યો. આ દરમિયાન મોસમી આપત્તિઓ અને બીમારીઓના કારણે ૧૪૨૮ લોકોના મોત થયા છે. તેમાં સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં ૫૯૦ લોકોના મોત થયા છે.

હવામાન વિભાગ તરફથી બુધવારે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૮ના શિયાળામાં જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં એવરેજ તાપમાનમાં ૦.૫૯ ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. ૧૯૦૧ પછીથી આ મહિનાઓના હિસાબથી પાંચમું સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું. માર્ચથી મે મહિના સુધીનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે રહ્યું હતું. ૧૧૭ વર્ષની સરખામણીએ આ સાતમી વખત સૌથી વઘારે ગરમ મહિના રહ્યા હતા.ઙ્ગ

બુધવારે જાહેર કરવામાં આવેલા આ વિશ્લેષણ રિપોર્ટ પ્રમાણે છેલ્લા અમુક દશકાઓથી જળવાયુ પરિવર્તનનો પ્રભાવ ખૂબ ઝડપથી અસર કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ૨૦૦૧-૧૦ દરમિયાન તાપમાન સામાન્યથી ૦.૨૩ ડિગ્રી વધારે રહ્યું. જયારે ૨૦૦૯-૧૮ વચ્ચે આ તાપમાન એવરેજ ૦.૩૭ ડિગ્રી વધારે રહ્યું છે.

ઙ્ગપૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને રિપોર્ટના આધારે ટ્વિટ કર્યું છે કે, દેશમાં ગયા વર્ષે ચક્રવાત, વીજળી પડવી, ખૂબ ગરમી અને મૂશળધાર વરસાદથી ૧,૪૨૮ લોકોના મોત થયા છે.૧,૪૨૮માંથી લગભગ અડધી ૬૮૮ મોત પૂરના કારણે થઈ છે. કેરળમાં પૂરના કારણે ૨૨૩ લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ૫૯૦ લોકોના મોત થયા છે.

વર્ષ

તાપમાન

૨૦૧૬

૦.૭૨ ડિગ્રી

૨૦૦૯

૦.૫૬ ડિગ્રી

૨૦૧૭

૦.૫૫ ડિગ્રી

૨૦૧૦

૦.૫૪ ડિગ્રી

૨૦૧૫

૦.૪૨ ડિગ્રી

૨૦૧૮

૦.૪૧ ડિગ્રી

(3:33 pm IST)