Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મંદીની બુમરાણ વચ્ચે 7000 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા 3000 કરોડની પેન્ડીંગ રીકવરી ઝડપી બનાવો સુરત આઈટીને આદેશ

વિડીયો કોન્ફરન્સમાં રીકવરીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા હાઈ ઓથોરીટીએ આદેશ આપ્યા

સુરત :રીઅલ એસ્ટેટેમાં ભારે મંદીની બૂમરાણ વચ્ચે સુરત ઇન્કમટેકસ વિભાગને આપેલ રૂા.૭૦૦૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તેમજ જુની બાકી ૩૦૦૦ કરોડની રીકવરી ઝડપથી કરવા માટે આદેશ આપવામાં આવતા આગામી દિવસોમાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા સર્વે અને સર્ચનો ધમધમાટ શરૂ થઇ જશે.

  સુરત ઇન્કમટેકસ વિભાગને ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂા.૭૦૦૦ કરોડના ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે રૂા.૩૦૦૦ કરોડનો આવક મેળવી લેવાઇ છે. બીજી બાજુ વર્ષો જુના તેમજ નવા કેસો મળીને રૂા.૩૦૦૦ કરોડની રીકવરી બાકી છે

  આ બન્નેને લઇને આજે મળેલી વિડીયો કોન્ફરન્સમાં આગામી દિવસોમાં રીકવરીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે હાઇ ઓથોરીટીએ આદેશ આપ્યા છે.

   ઇન્કમટેકસ વિભાગ પાસે હવે અડધો જાન્યુઆરી અને ફ્રેબુઆરી તેમજ માર્ચ એમ અઢી મહિના જ બાકી છે. આ અઢી મહિનાની સામે પહાડ જેવો લક્ષ્‍યાંક હોવાથી આગામી દિવસોમાં ઇન્કમટેકસની વિવિધ વિંગો શહેરભરમાં રીકવરી માટે મોટાપાયે સર્વે અને સર્ચની કામગીરી કરે તેવી શક્યતા છે.  

  હાલમાં રીઅલ એસ્ટેટમાં ભારે મંદી છે. મંદીના સમયમાં ઇન્કમટેક્સ વિભાગ સતત દોડતું રહેવાનું છે ત્યારે બિલ્ડરોની હાલત કફોડી બનશે.

(1:00 pm IST)