Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

બ્રિટનની થેરેસા સરકાર બચી ગઇ

અવિશ્વાસ પ્રસ્તાવના વોટીંગમાં વિજય : ૧૯ મતોથી જીતી સરકાર

લંડન તા. ૧૭ : બ્રિટનની સંસદે બ્રિકિસટ ડીલને નકારી દીધા બાદ વડાપ્રધાન થેરેસા મે સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, બુધવારે સંસદમાં થયેલા વોટિંગમાં થેરેસા મે સામે અવિશ્વાસ પ્રસ્તાવ ચાલ્યો ન હતો. આ માટે થયેલા વોટિંગમાં ૩૨૫ સાંસદોએ થેરેસા મે સરકારના સમર્થનમાં વોટિંગ કર્યું હતું, જયારે ૩૦૬ સાંસદોએ તેમની વિરૂદ્ઘ એટલે કે અવિશ્વાસના મતના સમર્થનમાં મતદાન કર્યું હતું.

 

બ્રિકિસટ ડીલને બ્રિટનની સંસદે નકારી દીધાની થોડી જ મિનિટોમાં વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બિને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. કોર્બિને સંસદમાં થેરેસા મેની હારને વિનાશકારી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હાર બ્રિટન માટે અંધારામાં આંધળી છલાંગ લગાવવા સમાન સાબિત થશે.

નોંધનીય છે કે બ્રિટન ૧૯૭૩માં ૨૮ સભ્યો ધરાવતા યુરોપિયન યુનિયનનું સભ્ય બન્યું હતું. ૨૯મી માર્ચના રોજ બ્રિટન ઈયૂ સાથે અલગ થવાનું હતું. ઈયૂથી અલગ થવાને માત્રે બે મહિના બચ્યા છે, પરંતુ બ્રિટન હજી સુધી એ નક્કી નથી કરી શકયું કે તેણે શું કરવું છે.

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેનો બ્રેકિસટને પાસ કરાવવાનો અંતિમ પ્રયાસ પણ અસફળ રહ્યો છે. બ્રિટનમાં લોકતંત્રની શરૂઆત થયા બાદ કોઈ પણ વડાપ્રધાનને મળેલી હારમાં આ સૌથી મોટી હાર છે. બ્રિટનના સાંસદોએ ૨૩૦ની બહુમતિથી થેરેસા મેની બ્રેકિસટ ડીલને નકારી દીધી હતી.

થેરેસાના સમર્થનમાં ૨૦૨ સાંસદોએ વોટિંગ કર્યું હતું, જયારે તેના વિરોધમાં ૪૩૨ સાંસદોએ વોટિંગ કર્યું હતું. ત્યાં સુધી કે આ મતદાનમાં થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૧૮ સાંસદોએ વિપક્ષ સાથે મળીને ડીલની વિરોધમાં વોટિંગ કર્યું હતું. જોકે, સામે એ વાત પણ સાચી છે કે વિપક્ષી લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ ડીલનું સમર્થન કરીને તેની તરફેણમાં મતદાન કર્યું હતું.

અલગ અલગ પાર્ટીના સાંસદોએ અલગ અલગ કારણને લઈને આ કરારનો વિરોધ કર્યો હતો. જોકે, થેરેસા મેએ આ અંગે સાંસદોને ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.

થેરેસા મેએ આ મામલે પહેલા કહ્યું હતું કે જયારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે લોકો સંસદના નિર્ણયને યાદ કરીને પૂછશે કે શું આપણે યૂરોપિયન યુનિયનને છોડવા માટે મતદાન કર્યું હતું કે નહીં? કે પછી આપણે દેશની જનતાને નિરાશ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૮ મહિના સુધી ચાલેલી વાતચીતની પ્રક્રિયા બાદ નવેમ્બરમાં યૂરોપિયન યુનિયન સાથે બેકિસટ કરાર પર સહમતિ થઈ હતી.

ડિસેમ્બરમાં કરારને લઈને નીચલા હાઉસ (હાઉસ ઓફ કોમન્સ)માં મતદાન થવાનું હતું, પરંતુ હારના ડરને કારણે મતદાનને ટાળી દેવામાં આવ્યું હતું. જે બાદમાં થેરેસા મે સાંસદોને સમજાવી રહ્યા હતા.(૨૧.૮)

(11:42 am IST)