Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ખેડૂતો માટે આવશે 'અચ્છે દિન': હેકટર દીઠ ૧૫૦૦૦ આપવા ભલામણ

ખેડૂતોની આવક વધારવા નીતિ આયોગે કરી ભલામણ: જો કે ખાતર, વીજળી, પાક વીમાની સબસીડી બંધ થશે

નવી દિલ્હી તા. ૧૭ : ખેડૂતોની આવક વધારવા માટે નીીત આયોગે પ્રીત એકર જમીન દીઠ ડાયરેકટ બેનિફિટ મારફત અપફ્રન્ટ સબસિડી આપવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્તનો સ્વીકાર થશે તો ખેડૂતોને દરેક હેકટર જમીન દીઠ રૂ. ૧૫,૦૦૦ની આવક મળશે.

નીતિ આયોગે ભલામણ કરી છે કે, સરકાર કૃષિ માટે આપવામાં આવતી તમામ સબસિડીઓ બંધ કરે અને તેની જગ્યાએ ખેડૂતોના બેંક ખાતામાં સબસિડીની રકમ સીધી જમા કરે. તે મુજબ ફર્ટિલાઇઝર, વીજળી, પાક વીમો સહિતની તમામ સબસિડી બંધ કરવાની દરખાસ્ત છે. કૃષિ સેકટરને દર વર્ષે સબસિડીની દરે વીજળી, ફર્ટિલાઇઝર, સિંચાઇ અને વ્યાજદરમાં રાહત દ્વારા બે લાખ કરોડથી વધારે રકમની સબસિડી આપવામાં આવે છે.

દેશમાં કુલ વાવેતર લાયક વિસ્તારને ધ્યાનમાં રાખતા આ રકમ લગભગ રૂ. ૧૫,૦૦૦ પ્રતિ હેકટર જેટલી થાય છે. જોકે એક મત એવો છે કે, આ સબસિડીનો સમાન અને કાર્યક્ષમ રીતે ઉપયોગ નથી તો અને કેટલાક કિસ્સામાં કુદરતી સંસાધનો પર વિપરીત અસર થઇ છે તથા કૃષિ ઉત્પાદનના ટકાઉપણાને નુકસાન થયું છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, અહીં એક એવું મિકેનિઝમ રચવાની યોજના છે જેનાથી કૃષિ સેકટરના સંકટનો અંત આવે, સબસિડાઇઝડ યુરિયા અને વીજળીનો દુરૂપયોગ અટકે તથા ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા મળે. તેના કારણે સિસ્ટમમાં રહેલા જંગી લિકેજ પણ અટકાવી શકાશે. કારણ કે સબસિડાઇઝડ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કૃષિ માટે કરવાના બદલે તેને અન્ય ઉદ્યોગોમાં વાળવામાં આવે છે.

ખેડૂતોને સીધા નાણા આપવાથી તેઓ તેમને ફાવે તે પાક ઉગાડી શકશે, તેમણે ફર્ટિલાઇઝર કે પાવર જેવી સબસિડાઇઝડ ચીજોની જરૂર નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં કહ્યું હતું કે, સરકાર ૨૦૨૨-૨૩ સુધીમાં કૃષિ સેકટરની આવક બમણી કરવા માંગે છે. તેના માટે વાર્ષિક ૧૦ ટકા વૃધ્ધિદરની જરૂર પડશે. હાલની પરિસ્થિતિમાં એવો અંદાજ છે કે આટલી આવક પણ ખેડૂતોની આજીવિકા માટે પૂરતી નહીં હોય અને ૫૩ ટકા લોકો ગરીબ રહેશે કારણ કે તેમની પાસે એક હેકટર કરતાં પણ ઓછી જમીન છે.

(10:04 am IST)