Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

દરેક માટે 'અચ્છે દિન' લાવશે વચગાળાનું બજેટ

ચૂંટણીના વર્ષમાં છુટા હાથે લ્હાણી કરવા સરકાર તૈયાર : ખેડૂતો - નોકરીયાતો - વેપારીઓ - ગરીબો સહિત સૌ કોઇને થશે લાભ હી લાભઃ ખેડૂતોને રાજી કરાશે : આયકર છુટની સીમા વધશે : ઘર ખરીદવાનું સસ્તુ થશે : વેપારીઓને સસ્તી લોન મળશે : ગરીબોને નિશ્ચિત આવક મળશે

નવી દિલ્હી તા. ૧૭ : લોકસભાની ચૂંટણી પહેલા રજુ થઇ રહેલા વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકાર તમામ વર્ગોને કંઇકને કંઇક રાહત - ભેટ આપી શકે છે. સરકાર ઇચ્છે છે કે, ચૂંટણી બજેટમાં રોજગાર, ખેડૂત, વિદેશનીતિ નિવેશ અને વ્યાપારના મોરચે સકારાત્મક સંદેશ આપવામાં આવે. આ માટે ખેડૂતોના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર, આયકર છુટનો દાયરો વધારવો, મકાન ખરીદી પર જીએસટીમાં છુટ અને નાના વેપારીઓને સસ્તી લોન જેવા પગલા જાહેર થઇ શકે છે. આ બાબતોને લઇને સરકારથી લઇને સંગઠન સુધી મંથન થઇ રહ્યું છે.

સરકારનો એક વર્ગ માને છે કે, રાજકોષીય ખાધ જીડીપીના ૩.૩ ટકા રાખવા માટે આર્થિક શિસ્ત જરૂરી છે. બીજી તરફ સંગઠન અને સરકારમાં બીજો વર્ગ લોકોને રાહત આપવાના પક્ષમાં છે. ભાજપના આર્થિક મામલાના પ્રવકતા ગોપાલકૃષ્ણ અગ્રવાલ કહે છે કે, આપણા જાણકારો રાજકોષીય ખાધ અંગે સાવધાન રહેવા સલાહ આપે છે પણ મારૂ માનવું છે કે, સરકારને વિસ્તારવાદી આર્થિક નીતિ ફાયદો અપાવશે.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ ભાજપને ચિંતામાં મુકી દીધું છે. ખેડૂતોના દેવા માફીએ કોંગ્રેસને ફાયદો કરાવ્યો છે. એવામાં હવે સરકારનું ફોકસ ખેડૂતો પર કેન્દ્રીત થયું છે.

આ યોજના પર ૪થી ૫ લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. સરકારને આશા છે કે, રિઝર્વ બેંક માર્ચ સુધીમાં ૩ થી ૪ લાખ કરોડ આપશે. સાથોસાથ સરકારે ડીબીટી થકી ૧ લાખ કરોડ બનાવ્યા છે તે ઉપયોગમાં લઇ શકાશે.

સરકાર ખેડૂતોને પ્રતિ એકર કેટલીક રકમ આપવા તૈયારી કરે છે. ૨૧.૬ કરોડ ખેડૂતોને તેનો ફાયદો થશે. ખેડૂતોને ૧ લાખની લોન વગર વ્યાજે આપવા તથા સમયસર લોન ભરપાઇ કરે તેને રાહત પણ અપાશે.

સરકાર હાઉસીંગ સેકટરને દોડતું કરવા જીએસટીમાં રાહત આપશે. દર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરાશે.

આયકર મુકિત મર્યાદા હાલ ૨.૫૦ લાખ છે તે વધારીને ૫ લાખ કરાય તેવી શકયતા છે.

વૃધ્ધાવસ્થા પેન્શન વધારવામાં આવશે. હાલ ૨૦૦ પ્રતિ માસ છે તે વધશે. ૩૦૦૦ કરવાની માંગ થઇ છે.

વેપારીઓને લોન લેવા પર વ્યાજમાં ૨ ટકાની છુટ મળશે. જેના ફાયદો રજીસ્ટર્ડ વેપારીઓને મળશે. આ ઉપરાંત દુર્ઘટના વીમાની સુવિધા પણ મળશે.

ગરીબોને દર મહિને રૂ. ૨૫૦૦ યુનિવર્સલ બેઝીક ઇન્કમ સ્કીમ હેઠળ અપાશે. આમા બેકારો, વડિલો, મહિલાઓને ખાસ રાહત મળશે.

(10:03 am IST)