Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

૨૦૨૨ સુધી ખેડૂતની આવક બમણી થશે : મોદીની ખાતરી

વદરાડ ખાતે નેતન્યાહુ-મોદીનો ખેડૂતો સાથે સંવાદ : નરેન્દ્ર મોદી-નેતન્યાહુ સાબરકાંઠા જિલ્લાના વદરાડમાં સેન્ટર ઓફ એકસલેન્સ ફોર વેજીટેબલ્સ ખાતે પહોંચ્યા

અમદાવાદ,તા. ૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને તેમના પત્ની સારા સાથે આજે બપોર બાદ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ ખાતે સેન્ટર ઓફ એકસલેન્સ ફોર વેજીટેબલ્સ અને પ્લગ નર્સરીની પણ મુલાકાત લીધી હતી. બંને દેશોના વડાપ્રધાનોએ સ્થાનિક ખેડૂતોની વિકાસની ગાથા સાંભળી હતી અને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. બંને મહાનુભાવોના ખેડૂતો સાથેના આ તાદાત્મ્ય ભાવને જોઇ સ્થાનિક ગ્રામજનોએ પણ ગૌરવવંતી લાગણી અનુભવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કૃષિમાં આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પ્રયોગો મારફતે કેવી રીતે ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકાય તે ઇઝરાયેલે સારી રીતે સાબિત કરી આપ્યું છે. ગુજરાત સહિત દેશના ખેડૂતોએ પણ આ પધ્ધતિ અપનાવી કૃષિ ક્ષેત્રે સારા પરિણામો મેળવી તેમની આવક નોંધનીય રીતે વધારી શકે છે. અલબત્ત,૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ધાર છે, તેમાં આવા સેન્ટરના કાર્યોથી મદદ મળશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પાણીની સમસ્યા, બારેમાસ વહેતી નદીઓના અભાવ સહિતના અનેક પડકારો વચ્ચે પણ ખેડૂતો કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ અને હરણફાળ ભરી રહ્યા છે. વદરાડના આ સેન્ટરે ખેડૂતોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું છે અને અહીંના અધ્યયન અને તાલીમ બાદ તેઓ પણ ઓછી જમીન અને પાણીના અભાવમાં પણ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પ્રયોગો થકી કેવી રીતે મબલખ પાક કે ખેતી અને શાકભાજી પ્રાપ્ત કરીને તેમની આવક ઉંચી લઇ જઇ શકે તેની ઉત્તમ તક છે. મેં કેટલાક ખેડૂતોના અનુભવો સાંભળ્યા કે જેઓએ આ પધ્ધતિ મારફતે તેમની આવક લાખોમાં પહોંચાડી દીધી છે. કેન્દ્ર સરકાર ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા માટે ખેડૂતોને કૃષિ ઉત્પાદન સહિતની બાબતોમાં તમામ સહકાર અને યોગદાન આપવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. સેન્ટર ઓફ એકસલેન્સ ખાતે ખેડૂતોએ તેમના અનુભવો અને વિકાસગાથા બંને દેશોના મહાનુભાવોને સંભળાવ્યા હતા. વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ તાળીઓ પાડી ખેડૂતોની સાહસિકતાને વધાવી લીધી હતી.

(7:39 pm IST)