Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

૧૧૪ વર્ષના ગબરૂદાદા હજી છે જુવાન

લુધીયાણા તા. ૧૭: પંજાબના તરનતારન જિલ્લાના પંડોરી હરસન ગામના બાબા કરનૈલ સિંહને જોઇને ''ઉંમર તો ફકત આંકડો છે'' એ કહેવાત સાચી લાગે. ૧૧૪ વર્ષના બાબાને સૌ 'ગબરૂ' નામે ઓળખે છે. તેમની તબિયત જોઇને કોઇપણ કહે છે કે બાબા ગભરૂ પાસે આરોગ્યની મબલક સંપત્તિ છે. આગામી પ્રજાસત્તાક દિને બાબા કરનૈલ સિંહનું સન્માન કરવાની ભલામણ સ્થાનિક વિધાનસભ્ય ડો. ધર્મવીર સિંહ અગ્નિહોત્રીને કોંગ્રેસના તરનતારન જિલ્લા એકમના ઉપપ્રમખુ અવતાર સિંહ તનેજાએ કરી છે.

૧૯૦૩માં ખેડૂત પરિવારમાં જન્મેલા બાબા કરનૈલ સિંહના પરિવારમાં કુલ ૪૩ સભ્યો છે. તેમના ચાર દિકરા અને પાંચ દિકરીઓ છે. ખેતી કરતા બાબાના પરિવારના ૩પ સભ્યો મતદાર છે. સંતાનોનાં કુટુંબોમાં જુદાં જુદાં રસોડાં હોવા છતાં બધા એક સાથે રહે છે. બાબા ગબરૂના કુટુંબની પાંચમી પેઢીનો પૌત્ર ૧૪ વર્ષનો નિશાનસિંહ ઓસ્ટ્રેલિયામાં રહે છે. બાબાના અન્ય એક પૌત્ર સવિન્દર સિંહે જણાવ્યું હતું કે કુટુંબ અને મોસાળ મળીને કુલ ૧૪૩ સભ્યો છે. ગયા વર્ષે બાબાના સૌથી મોટા દીકરા અજિતસિંહ ૮૯ વર્ષની ઉંમરે અવસાન પામ્યા. કરનૈલ સિંહ ૧૯૬૮માં પંડોરી હરસન ગામના સરપંચ બન્યા હતા. ખેડૂત પરિવારના હોવાથી બાબાએ જીવનભર ખેતી કરી છે. આ ઉંમરે પણ તેઓ રોજ સવારે ખેતરમં જાય છે. અને સમાધાર પણ સાંભળે અને વાંચે છે. ગામના લોકોએ બાબાને રેડિયોમાં કાન માંડીને સમાચાર સાંભળતા જોયા છે. રોજ સવારે પાંચ વાગ્યે ઉઠીને રેડિયો પર ગુરબાની સાંભળે છે. તેમને ઉર્દૂ ભાષાનું ઘણું જ્ઞાન છે.

બાબાની તંદુરસ્તીનું રહસ્ય શું છે?

બાબા કરનૈલ સિંહ કહે છે કે કોઇપણ પ્રકારનાં નશા-બંધાણથી દૂર રહ્યા હોવાને કારણે તેમની તંદુરસ્તી જળવાઇ છે. બાબા પોતે નશા કે બંધારણથી દૂર રહેવા ઉપરાંત તેમના કુટુંબના સભ્યોને પણ દારૂ, સિગારેટ કે ડ્રગ્સની આદતોથી દુર રાખી શકયા છે. બાબાનો ડાયટ-પ્લાન પણ આરોગ્યસભર છે. આખા દિવસમાં તેઓ એક કપ ચા, ચાર રોટલી, લીલી શાકભાજી, લસ્સી, દૂધ, શેરડીનો રસ, દેશી ઘી, માખણ અને મલાઇનો આહાર કરે છે.

(5:03 pm IST)