Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

લોકોને અક્ષય કુમાર, રામદેવની હેલ્થ ટિપ્સ પર વધુ ભરોસો

૯૨ ટકા દેશવાસીઓને આરોગ્યસંભાળની સિસ્ટમ પર ભરોસો નહીં હોવાનું ચોંકાવનારૃં તારણ

નવી દિલ્હી તા. ૧૭ : દેશના ૯૨ ટકા જેટલા લોકોને આરોગ્યસંભાળની સિસ્ટમ પર વિશ્વાસ નથી. એક ફિટનેસ સંસ્થા ગોકયૂઇએ કરેલા વાર્ષિક સર્વેમાં જણાવાયું છે કે ફાર્મા અને વીમા કંપનીઓ બાદ હોસ્પિટલો સૌથી બિનભરોસાપાત્ર સંસ્થા છે. લોકોને એકટર અક્ષય કુમારની હેલ્થ અંગેની ટિપ્સ પર વધુ ભરોસો છે. સર્વેમાં ઉમેરાયું છે કે 'ગોકયૂઇ ઇન્ડિયા ફિટ ૨૦૧૮ના રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશના ૯૨.૩ ટકા લોકોને આરોગ્યસંભાળની સિસ્ટમ પર ભરોસો નથી. જેમાં ડોકટરો, હોસ્પિટલો, ફાર્મા, વીમા કંપનીઓ અને ડાયગ્નોસ્ટિક લેબ્સનો સમાવેશ થાય છે.'

જોકે રસપ્રદ બાબત એ છે કે લોકોને આરોગ્યની સલાહની રીતે બોલીવૂડ એકટર અક્ષય કુમાર પર સૌથી વધુ ભરોસો છે. યોગ ગુરુ બાબા રામદેવ એ પછીના ક્રમે છે. આ સર્વેમાં ગોકયુઇએ આશરે બે લાખ લોકો પાસેથી ઇન્પુટ લીધા હોવાનો દાવો કરાયો છે. સર્વે મુજબ, ૭૪ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલો પર વિશ્વાસ નથી, એ પછી ફાર્મા અને વીમા કંપનીઓ (૬૨.૮ ટકા), મેડિકલ કલીનિકસ (૫૨.૬ ટકા), ડોકટરો (૫૦.૬ ટકા) અને ડાયગ્નોસ્ટિક લેબ્સ (૪૬.૧ ટકા)નો સમાવેશ થાય છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે 'આરોગ્યસંભાળની સિસ્ટમમાં તાજેતરમાં મળેલી નિષ્ફળતા વિશ્વાસમાં ઘટાડા માટેનું મુખ્ય કારણ છે, ખાસકરીને હાલમાં જે રીતે હોસ્પિટલોની બેદરકારી બહાર આવી છે તે જોતા તેમાં લોકોનો ભરોસો ઘટી ગયો છે. આરોગ્યસંભાળના માળખામાં પારદર્શિતાનો અભાવ સૌથી મોટો અંતરાય છે.'

નેશનલ હેલ્થ એન્ડ ફેમિલી સર્વે (એનએચએફએસ)ના આંકડા દર્શાવે છે કે શહેરના ૪૬ ટકા અને ગ્રામ્યના ૪૨ લોકો હજુ પણ સરકારી આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવા પર પસંદગી ઉતારે છે. ખાનગી ક્ષેત્રે આરોગ્યની માગણી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ છે. ૫૬ ટકા શહેરી અને ૪૯ ટકા ગ્રામ્ય ભારત ખાનગી આરોગ્યની પસંદગી કરે છે. ૧૦ વર્ષોમાં જાહેર આરોગ્યની પસંદગી ઉતારતાં ઘરોની ટકાવારી વધી છે. ૨૦૦૫-૦૬માં કરાયેલા સર્વેમાં આ ટકાવારી ૩૪ ટકા હતી અને હવે તે વધીને ૪૫ ટકા થઇ છે. ગ્રામ્ય અને શહેરી લોકો મોટાપાયે સરકારી અને મ્યુનિસિપલ હોસ્પિટલો ખાતે સરકારી આરોગ્યસંભાળની સવલતોનો લાભ લે છે. આનાથી નીચેના સ્તરે શહેરી ભારત સરકારી આરોગ્ય સવલતોને નકારે છે તો ગ્રામ્ય ભારત હજુ પણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ પર આધારિત હોય છે. શહેરી અને ગ્રામ્ય ભારત અનુક્રમે ૧૪ અને ૧૨ ટકા પસંદગી આ પોઇન્ટ્સ પર ઉતારે છે. જોકે ગ્રામ્ય ભારતમાં સબ-સેન્ટરમાં જવાનું પ્રમાણ ઓછું છે. માત્ર ૧.૫ ટકા લોકો જ અહીં આવવાનું પસંદ કરે છે. ગત બજેટમાં સરકારે જાહેરાત કરી હતી કે તે પેટા-કેન્દ્રોને 'વેલનેસ સેન્ટર્સ'માં ફેરવી દેશે. મોટાભાગના લોકો આયુશ પ્રેકિટશનર્સને ત્યાં જવાને બદલે 'દુકાન'માં જાય છે.

(3:47 pm IST)