Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

IIMના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે 'બાહુબલી-૨'

બાહુબલી ફિલ્મનો અભ્યાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિદ્યાર્થીઓએ જાણવા પ્રયાસ કરશે કે ફિલ્મની સિકવલ બિઝનેસની દુનિયામાં સફળતાનો ઇતિહાસ કેવી રીતે બનાવે છે

નવી દિલ્હી તા. ૧૭ : ભારતીય સિનેજગતમાં સફળતાનો નવો અધ્યાય રચનારી ફિલ્મ 'બાહુબલી-૨'ને હવે IIMના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે. IIM અમદાવાદે 'બાહુબલી-૨'ને અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. બાહુબલી ફિલ્મનો અભ્યાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિદ્યાર્થીઓ એ જાણવા પ્રયાસ કરશે કે, ફિલ્મની સિકવલ બિઝનેસની દુનિયામાં સફળતાનો ઈતિહાસ કેવી રીતે બનાવે છે.

આપને જણાવી દઈએ કે, 'બાહુબલી-૨' એપ્રિલ ૨૮, ૨૦૧૭ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે તેના રિલીઝના પહેલા જ દિવસે રુપિયા ૧૦૦ કરોડથી વધુનો વ્યવસાય કર્યો હતો. પહેલા સપ્તાહમાં ૩૦૦ કરોડ અને કુલ ૧૮૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.

એક અંગ્રેજી અખબારે IIMના હવાલેથી માહિતી આપી છે કે, આ ફિલ્મમાં મુખ્યરુપે સિકવલ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો હતો. અને એ મેસેજ આપવામાં આવ્યો છે કે, સિકવલના માધ્યમથી પણ સિનેમા વધુ વ્યવસાય કરી શકે છે. આ મોર્કેટિંગ કોન્સેપ્ટ કેવીરીતે સફળ પુરવાર થાય છે તે જાણવા માટે 'બાહુબલી-૨'ને કેસ સ્ટડી કરવા તેનો IIMના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી માર્કેટિંગની સામાન્ય સમજ એવી રહી છે કે, પ્રિ-સિકવલ હંમેશા સિકવલ કરતાં વધુ સારી હોય છે. પછી તે દર્શકોની પસંદ હોય કે બોકસઓફિસ કલેકશન હોય. પરંતુ 'બાહુબલી-૨'એ દરેક માન્યતાને ખોટી સાબિત કરી છે અને દર્શકોની પસંદ તેમજ બોકસઓફિસ કલેકશનમાં વધુ ચડિયાતી પુરવાર થઈ હતી. ફિલ્મનું કુલ કલેકશન રુપિયા ૧૮૦૦ કરોડથી પણ વધુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, નિર્માતા એસ. એસ. રાજામૌલીએ બાહુબલી સીરિઝ રુપિયા ૧૫૦ કરોડના ખર્ચે તૈયાર કરી હતી.

(12:42 pm IST)