Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સરહદે સૈનિકો આધુનિક શસ્ત્રોથી સુસજ્જ થશે

૭૨૦૦૦ એસોલ્ટ રાઇફલ્સ ૯૩૮૯૫ કાર્બાઇન ખરીદીને મંજુરી

નવી દિલ્હી તા. ૧૭ : આર્મીએ અસોલ્ટ રાઈફલ્સ અને કલોઝ-કવોર્ટર બેટલ (CQB)ની માંગ કર્યાના ૧૩ વર્ષ પછી હવે કંઈક તે માંગ પુરી થાય તેમ લાગી રહ્યું છે. બધા સૈનિકોને નહીં તો ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત સૈનિકોને તો આ નવા હથિયાર મળે તેમ જણાઈ રહ્યું છે.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં મંગળવારના રોજ ડિફેન્સ એકિવઝીશન કાન્સિલ(DAC)ની બેઠક થઈ. આ બેઠકમાં ૭૨૪૦૦ રાઈફલ્સ અને ૯૩૮૯૫ કાર્બાઈનની ખરીદીને મંજૂરી આપવામાં આવી. આ ખરીદી ફાસ્ટટ્રેક બેઝિસ પર થશે, જેનો ખર્ચ લગભગ ૩૫૪૭ કરોડ રુપિયા હશે.

ઉલ્લેખનીય છે કે સેનામાં નાના હથિયારોની ભારે તંગી છે. લગભગ ૩ દશક પહેલા તૈયાર કરવામાં આવેલી રાઈફલ્સના સ્થાને અસોલ્ટ રાઈફલ્સ શામેલ કરવાનો પ્લાન છે. રશિયામાં બનેલી એકે૪૭ અસોલ્ટ રાઈફલ્સનું સ્થાન હવે કાર્બાઈન લેશે. સેનામાં ૬ લાખથી વધારે અસોલ્ટ રાઈફલ્સ અને ૩ લાખથી વધારે કર્બાઈનની જરુર છે.

રક્ષા મંત્રી ખરીદ પરિષદે મેક-૨ પ્રક્રિયાને પણ સરળ બનાવવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ઈન્ડસ્ટ્રીના માધ્યમથી રક્ષા ઉપકરણોને ડેવલોપ કરવાની અને નિર્માણ કરવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત, ઈન્ડસ્ટ્રી દ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવોને રક્ષા મંત્રાલય મંજૂર કરી શકશે.

મેક-૨ પ્રોજેકટમાં શામેલ થવા માટેની લાયકાતની શરતમાં પણ ઢીલ મુકવામાં આવી છે. પહેલા માત્ર બે વેન્ડર પ્રોટોટાઈપ ઉપકરણ બનાવવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવતા હતા, હવે માનકો પર ખરા ઉતરનારા દરેક વેન્ડર શામેલ થઈ શકે છે. જો કોઈ વ્યકિત અથવા ફર્મ ઈનોવેટિવ સોલ્યુશન લઈને આવે તો સેના પારે વિકલ્પ હશે કે તે તેના પર વિચાર કરે.(૨૧.૮)

 

(11:53 am IST)