Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પ્રવિણ તોગડીયાએ ભાજપને ૯૯ ઉપર અટકાવ્યું ? 'ડ્રામા'માં છુપાયુ છે રહસ્ય

સંઘ અને વિહિપ વચ્ચે ચાલી રહેલા આંતરીક સંઘર્ષને કારણે જ અમદાવાદમાં સર્જાયો ડ્રામાઃ ભાજપનો આરોપ છે કે તોગડીયાએ ભાજપ વિરૂધ્ધ કામ કર્યુઃ સંઘની ના છતાં પણ વિહિપ આડુ ચાલ્યુઃ પાટીદાર આંદોલનમાં બળતામાં ઘી નાખવાનો તોગડીયાએ પ્રયાસ કર્યો હતોઃ ખેડુતો અને યુવા રેલીઓ સંબોધી ભાજપ વિરૂધ્ધ માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો

નવી દિલ્હી તા.૧૭ : વિહિપના નેતા પ્રવિણ તોગડીયાને લઇને અમદાવાદમાં થયેલ સમગ્ર ડ્રામા સ્પષ્ટ રીતે સંઘ અને વિહિપ વચ્ચે ચાલી રહેલા આંતરીક સંઘર્ષ તરફ ઇશારો કરે છે. રાજકીય જાણકારોના કહેવા મુજબ ભાજપ એ બાબતને લઇને અત્યંત નારાજ છે કે તોગડીયા અને વિહિપના કાર્યકરોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની વિરૂધ્ધ કામ કર્યુ હતુ. જો કે ભાજપને વિજય જરૂર મળ્યો પરંતુ બેઠકોનો આંકડો ૧૧પથી ઘટીને ૯૯ બેઠક રહી જવાથી પક્ષમાં આંતરીક રીતે અત્યંત નારાજગી છે.

લઘુમતિઓ વિરૂધ્ધ આક્રમક અને વિવાદીત નિવેદનો આપવા માટે જાણીતા તોગડીયાના પીએમ મોદી સાથે અગાઉ સારા સંબંધો હતા પરંતુ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પછી બંનેના સંબંધો વણસ્યા હતા ખાસ કરીને ર૦૦૭ની ચૂંટણી બાદ ઘણી કડવાશ આવી હતી. ભાજપના અનેક નેતાઓને લાગે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં વિહિપના કાર્યકરોએ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરવાનુ કામ કર્યુ હતુ.

ભાજપના એક સીનીયર નેતાના કહેવા મુજબ તેઓએ પાટીદાર આંદોલનમાં પણ બળતામાં ઘી હોમવાનુ કામ કર્યુ હતુ અને ભાજપ વિરૂધ્ધ ગુસ્સો ભડકાવવા પણ પ્રયાસ કર્યો હતો. આ જ મોટુ કારણ છે કે અમને આ વખતે ૧૦૦ બેઠકો નો મળી. ભાજપના નેતાએ કહ્યુ છે કે તોગડીયાને સંઘ તરફથી સ્પષ્ટ નિર્દેશો અપાયા હતા કે તેઓએ રાજકીય મુદામાં ચંચુપાત ન કરવો છતાં પણ ચૂંટણી પહેલા તેમણે ગુજરાતમાં અનેક ખેડુત અને યુવા રેલીઓ યોજી અને સરકાર વિરૂધ્ધ માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

એક અન્ય નેતાએ કહ્યુ છે કે આજનુ ભાજપ અટલજીના ભાજપથી અલગ છે. વર્તમાન નેતૃત્વ પક્ષ અને સંઘની અંદરથી ઉઠતી ટીકાઓને સહન નથી કરતુ. ર૯મી ડિસેમ્બરે ભુવનેશ્વરમાં વિહિપના કાર્યકારી બોર્ડની બેઠક મળી હતી. સંઘના કેટલાક નેતાઓએ પ્રયાસો કર્યા હતા કે, તોગડીયા ફરીથી કાર્યકારી અધ્યક્ષ ન બને પરંતુ તેમના આ પ્રયાસો આગળ ન વધ્યા. તોગડીયા ઉપરાંત અધ્યક્ષ રાઘવ રેડ્ડીની મુદત પણ સમાપ્ત થઇ રહી હતી. સંઘ રેડ્ડીના બદલે વી.કોકજેને અધ્યક્ષ બનાવવા માંગતુ હતુ. એવુ જાણવા મળે છે કે કોકજેને પીએમ મોદીનું પણ સમર્થન હતુ પરંતુ તોગડીયાએ આનો જોરદાર વિરોધ કર્યો હતો અને રેડ્ડીને પદ પર ચાલુ રાખવા ભાર મુકયો હતો. તેમના આ વલણથી સંઘ અને ભાજપ ઘણા નારાજ થયા હતા.

જો કે સંઘના વિચારક વૈદ્ય સંઘ પરિવારમાં કોઇપણ ખેંચતાણ કે વાતનો ઇન્કાર કરી રહ્યા છે. તેઓનુ કહેવુ છે કે આપણે રાહ જોવી જોઇએ કે તોગડીયા એવા લોકોના નામો અંગે જણાવે કે જેઓ કથિત એન્કાઉન્ટરના ષડયંત્રમાં સામેલ હતા પરંતુ રાજકીય ટિપ્પણીકાર કુમાર કેતકર કહે છે કે સંઘ પરિવારની અંદર ચાલી રહેલ ખેંચતાણથી એ બધા લોકો વાકેફ છે જેઓ આના ઉપર બારીકાઇથી નજર રાખે છે પરંતુ કોઇને આશા ન હતી કે મતભેદ આટલી જલ્દીથી ઉભરીને સામે આવી જશે.

 

(1:15 pm IST)