Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટને આધાર બનાવી વિવાદાસ્પદ ચુકાદો આપનારા મહિલા જજને કાયમી ન્યાયાધીશ નહી બનાવાય

હાઇકોર્ટના જજ તરીકેની તેમની ભલામણને સુપ્રીમ કોર્ટના કોલેજિયમે બીજી વખત નકારી

નવી દિલ્હીઃ સગીર પર જાતીય હુમલાના સંદર્ભમાં સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટને આધાર બનાવી વિવાદાસ્પદ ચુકાદો આપનારા બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ પુષ્પા વી ગનેડીવાલાને કાયમી ન્યાયાધીશ નહી બનાવાય. હાઇકોર્ટના જજ તરીકેની તેમની ભલામણને સુપ્રીમ કોર્ટના કોલેજિયમે બીજી વખત નકારી છે.

આનો સીધો અર્થ એમ થશે કે હાલમાં હાઇકોર્ટના ટેમ્પરરી જજ તરીકે કામ કરનારા ન્યાયાધીશ ગનેડીવાલાએ ફેબુ્આરીમાં તેમના કાર્યકાળનો અંત આવતા જિલ્લા ન્યાયાધીશ તરીકે પરત ફરવું પડશે.

આ વર્ષે અગાઉ કેન્દ્રએ ગનેડીવાલાને એક્સ્ટેન્શન આપ્યું હતું, પરંતુ તેનો સમયગાળો બેથી ઘટાડીને એક કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ભાગ્યે જ જોવા મળતા વલણમાં કેન્દ્રની ભલામણ નકારી કાઢતા જણાવ્યું હતું કે પુષ્પા ગનેડીવાલાને આ પ્રકારના કેસોનો અનુભવ નથી, તેથી તેઓ નીચલા સ્તરે આ પ્રકારના કેસોના અનુભવ મેળવે તે જરુરી છે.

19મી જાન્યુઆરીના રોજ ગનેડીવાલાએ આપેલા આદેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેમા તેમણે જણાવ્યું હતું કે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ વગર સગીરની છાતીને સ્પર્શ કરવો તેને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોસ્કો) એક્ટ હેઠળ જાતીય હુમલા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે 18મી નવેમ્બરના રોજ આ ચુકાદો પડતો મૂક્યો હતો, આ ચુકાદા સામે કેટલીય રિટ પિટિશન થઈ હતી.

ગનેડીવાલા ફક્ત આટલેથી જ અટક્યા ન હતા. તેમણે બીજા કેસમાં જ આવો વિવાદાસ્પદ ચુકાદો આપતા જણાવ્યું હતું કે મહિલા પીડિતના હાથ પકડી રાખવા કે પેન્ટની ઝીપ ખુલ્લી કરવી તે બાબત પણ જાતીય હુમલાની વ્યાખ્યામાં આવતી નથી. આ જાતીય હુમલાની પીડિત પાંચ વર્ષની યુવતી હતી. ગનેડીવાલાના આ પ્રકારના ચુકાદાઓના પગલે તેમને કાયમી જજ બનાવવાની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ઉલટાવી હતી.

(1:03 am IST)