Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઓમીક્રોનના હળવા સ્વરૂપને અવગણી શકાય નહીં : અન્ય વેરીઅન્ટ કરતાં વધુ ખતરનાક : ડો,પૂનમ સિંહ

કોરોનાના અન્ય વેરીઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ સિંહે લોકોને ચેતવણી આપી

નવી દિલ્હી :કોરોના વાઈરસના નવા પ્રકાર ઓમિક્રોનને ખૂબ જ ખતરનાક પ્રકાર માનવામાં આવી રહ્યો છે અને તે વિશ્વના મોટાભાગના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે આ વેરિઅન્ટને લઈને દરેક દેશમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના પ્રાદેશિક નિર્દેશકે ચેતવણી આપી છે કે વેરિઅન્ટને ‘હળવા’ તરીકે નકારી શકાય નહીં કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી ઊભી થતી ચિંતાઓ વચ્ચે WHO દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન અગાઉના કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેને “હળવા” તરીકે નકારી દેવું જોઈએ નહીં.

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી આ વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં કોરોના વાઈરસના ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન થોડું અલગ છે. આ પ્રકારના મોટાભાગના દર્દીઓને ગળામાં દુખાવો અને સૂકી ઉધરસ હોય છે. જ્યારે ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓમાં ઉચ્ચ તાવ અને શ્વસન સમસ્યાઓ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

(9:56 pm IST)