Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઉત્તરપ્રદેશમાં કોરોનામાં ઓક્સિજનની અછતને કારણે કોઈનું મૃત્યુ થયું નથી

મૃત્યુ પ્રમાણપત્રોમાં રોગચાળાને કારણે મૃત્યુ પામેલા 22,915 દર્દીઓમાંથી કોઈપણમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુનો ઉલ્લેખ નથી

લખનૌ :ઉત્તર પ્રદેશ સરકારે વિધાન સભામાં કહ્યું કે કે કોવિડ-19ના બીજી લહેર દરમિયાન રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. યોગી આદિત્યનાથ સરકારે  કહ્યું હતું કે મૃત્યુ પ્રમાણપત્રોમાં રોગચાળાને કારણે મૃત્યુ પામેલા 22,915 દર્દીઓમાંથી કોઈપણમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુનો ઉલ્લેખ નથી. પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના સભ્ય દીપક સિંહને જવાબ આપતાં આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું, “રાજ્યમાં બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે કોઈનું મૃત્યુ થયું નથી.”

કોંગ્રેસના ધારાસભ્ય દિપકે કહ્યું કે  ઓક્સિજનના અભાવે રાજ્યમાં મૃત્યુ થઈ રહ્યા હતા. આ સિવાય ઘણા સાંસદોએ પણ આવી ફરિયાદો કરી હતી. ઓક્સિજનના અભાવે મૃત્યુની ઘણી ઘટનાઓ સામે આવી છે. આખા રાજ્યમાં કોઈ કેસ છે? શું સરકાર પાસે આ મૃત્યુ વિશે કોઈ માહિતી છે? શું સરકારે ગંગામાં તરતી લાશો અને ઓક્સિજનના અભાવથી પીડાતા લોકો જોયા નથી?”

આરોગ્ય પ્રધાન જય પ્રતાપે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીના મૃત્યુના કિસ્સામાં, ડૉક્ટર મૃત્યુ પ્રમાણપત્ર જારી કરે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોવિડ -19 પીડિતો માટે ડોકટરો દ્વારા જારી કરાયેલા 22,915 મૃત્યુ પ્રમાણપત્રોમાં ક્યાંય ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુનો ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન ઘણા મૃત્યુ અન્ય વિવિધ રોગોને કારણે થયા હતા અને સરકારે અછતના કિસ્સામાં અન્ય રાજ્યોમાંથી ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય દીપકે પણ દલીલ કરી હતી કે શું ઓક્સિજનની અછત અંગે મંત્રીઓએ લખેલા પત્રો પણ ખોટા છે. ગૃહના નેતા દિનેશ શર્માએ કહ્યું કે આરોગ્ય મંત્રીએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષના સભ્યોએ સ્વીકારવું જોઈએ કે દવાઓ અને સારવાર સુનિશ્ચિત કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારની તત્પરતાને કારણે મોટી સંખ્યામાં જાનહાનિ ટળી હતી.

(7:38 pm IST)