Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ત્રણેય વડાઅોમાં વરિષ્ઠ હોવાના કારણે સરકાર સેનાના વડા જનરલ ઍમ.ઍમ. નરવાણેને સ્વ. બિપીન રાવતની જગ્યાઍ સીડીઍસ બનાવે તેવી શક્યતા

આ જવાબદારી સેનાની ત્રણેય પાંખના વડાઓમાં વરિષ્ઠ હોય તેને અપાય છે

નવી દિલ્હી: આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ચીફ્સ ઓફ ડિફેન્સ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે. આ જવાબદારી સેનાની ત્રણેય પાંખના વડાઓમાં વરિષ્ઠ હોય તેને આપવામાં આવે છે. પહેલા આ જવાબદારી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પાસે હતી, પરંતુ 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતના મોત બાદ ત્રણેય ચીફમાં સૌથી વરિષ્ઠ હોવાના કારણે જનરલ નરવણેને આ જવાબદારી મળી છે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નૌકાદળના વડા આર હરિ કુમાર આર્મીની અન્ય બે પાંખથી જુનિયર છે, તેથી બંને આ પદ સંભાળી શકતા નથી.

જ્યારે ડિસેમ્બર 2019માં સરકારે પહેલીવાર CDSના પદ માટે જનરલ રાવતના નામની જાહેરાત કરી, ત્યારે CDSની સાથે અધ્યક્ષનું પદ જનરલ બિપિન રાવત પાસે ગયું હતુ. જોકે તે પહેલા આર્મીની ત્રણેય પાંખોમાં સંકલન માટે સેનામાં ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેનનું પદ હતું. તે સમયે ત્રણેય વડાઓમાં વરિષ્ઠ આ પદ સંભાળતા હતા. હવે જ્યારે સીડીએસનું પદ ખાલી છે, ત્યારે જૂની પરંપરા પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેથી સેના વચ્ચે પરસ્પર તાલમેલના કામમાં કોઈ મુશ્કેલી ન આવે.

જ્યારે સરકાર CDSની જાહેરાત કરશે ત્યારે આ પોસ્ટ આપોઆપ તેમની પાસે જશે. ત્રણેય વડાઓમાં વરિષ્ઠ હોવાને કારણે સરકાર સેનાના વડા જનરલ એમએમ નરવણેને સીડીએસ બનાવે તેવી શક્યતા છે.

જણાવી દઈએ કે 31 ડિસેમ્બર, 2019ના રોજ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મંગળવારે જનરલ બિપિન રાવતના સ્થાને 28માં આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પહેલા નરવણે આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવતા હતા. સપ્ટેમ્બર 2019 માં આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા નરવણેએ આર્મીના પૂર્વીય કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. જે ચીન સાથેની 4000 કિલોમીટર લાંબી ભારતીય સરહદ પર નજર રાખે છે.

(5:14 pm IST)