Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કળીયુગમાં ઍકતાની શક્તિ હવાથી આપણે અહંકાર-સ્વાર્થ છોડીને કામ કરવું પડશે, હું મારા પવિત્ર હિન્દુ ધર્મ, સંસ્કૃતિ તથા સમાજના સંરક્ષણ, સંવર્ધન અને સુરક્ષા માટે આજીવન કાર્ય કરતો રહીશઃ મોહન ભાગવતે શપથ લેવડાવ્યા

ચિત્રકૂટમાં હિન્દુ ઍકતા મહાકુંભને સંબોધતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દૂ ધર્મ છોડીને અન્ય ધર્મમાં ગયેલા લોકોની ઘર વાપસી કરાવવાનું આહવાન કર્યું હતું. ચિત્રકૂટમાં હિન્દૂ એક્તા મહાકુંભને સંબોધતા તેમણે કહ્યું હતું કે કળયુગમાં એક્તાની શક્તિ છે. તેથી આપણે અહંકાર, સ્વાર્થ છોડીને કામ કરવું પડશે.

હિન્દૂ સંસ્કૃતિના સંરક્ષણ માટે લોકોને આગળ આવવા અપીલ કરી હતી. ભાગવતે હિન્દૂ છોડનારાઓની ઘર વાપસી માટે આ મહાકુંભમાં હાજર લોકોને કામ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો.

ભાગવતે શપથ લેવડાવ્યા હતા કે હું, હિન્દૂ સંસ્કૃતિના ધર્મયોદ્ધા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજીના સંકલ્પસ્થળ પર સર્વશક્તિમાન પરમેશ્વરને સાક્ષી માનીને સંકલ્પ લઉ છું કે હું મારા પવિત્ર હિન્દૂ ધર્મ, હિન્દૂ સંસ્કૃતિ તેમજ હિન્દૂ સમાજના સૌરક્ષણ, સંરક્ષણ, સંવર્ધન તેમજ સુરક્ષા માટે આજીવન કાર્ય કરતો રહીશ.

પ્રતિજ્ઞાા લઉ છું કે કોઇ પણ હિન્દૂ ભાઇને હિન્દૂ ધર્મથી દુર નહીં થવા દઉ. તથા જે ભાઇઓ હિન્દૂ ધર્મ છોડી ચૂક્યા છે તેમની ઘરવાપસી માટે પણ કામ કરતો રહીશ અને તેમને પરિવારનો હિસ્સો બનાવીશ. હું જાતિ વર્ગ, ભાષા પંથના ભેદભાવોથી દુર રહીને મારા હિન્દૂ સમાજને સમરસ, સશક્ત અને અભેદ બનાવવા માટે પૂરી શક્તિથી કાર્ય કરતો રહીશ. ભારત માતાની જય.

હિન્દૂ એક્તાના મહાકુંભમાં આવેલા જગદગુરુ રામચદ્રાચાર્ય મહારાજે કહ્યું હતું કે આપણે હિન્દૂઓની એક્તાની શરૂઆત કરી દીધી છે. એથી અયોધ્યા, કેથી કાશી બાદ હવે એમથી મથુરાનો વારો છે. આ આયોજનમાં હિન્દૂઓની સાથે થઇ રહેલા અન્યાય, મઠ મંદિરોની સુરક્ષા, ધર્માંતરણ પર રોક, જનસંખ્યા નિયંત્રણ, રાષ્ટ્રવાદ અને યુનિફોર્મ સિવિલ કોડ, લવ જેહાદ, ગૌરક્ષા, સામાજિક સમરસતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

આ કાર્યક્રમમાં દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારી પણ સામેલ થયા હતા. જોકે તેમણે મહાકુંભના આ મંચને ચૂંટણી મંચ બનાવી દીધો હતો. તેમણે પીએમ મોદીના વખાણ કરતા અનેક ભજનો પણ ગાયા હતા. પોતાના ભજનોના માધ્યમથી મનોજ તિવારીએ વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા.

(5:14 pm IST)