Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોઇ નહીં રોકી શકે કોરોનાની ત્રીજી લહેર : હેલ્થ એકસપર્ટ

હેલ્થ એકસપોર્ટના દાવાએ લોકોમાં ભય વધાર્યો : દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસો ઝડપથી વધ્યા છે પણ મોત ઓછા થયા છે અને એવી સ્થિતિ આખી દુનિયામાં રહેવાની આશા છે : ડો. અશોક શેઠ

નવી દિલ્હી,તા.૧૬: દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધતા જઈ રહ્યા છે. એવામાં એક ટોચના હેલ્થ એક્સપર્ટે ડરામણી વાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની ત્રીજી લહેરને કોઈ રોકી શકશે નહીં. તેમણે સલાહ આપતા કહ્યું કે, લોકોની સુરક્ષા માટે બૂસ્ટર ડોઝ પર વિચાર કરવો જોઈએ, ખાસ કરીને સ્વાસ્થ્યકર્મીઓને સૌથી પહેલા બૂસ્ટર ડોઝ આપી સલામત કરવા જોઈએ. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ફોર્ટિસ એસ્કોર્ટસ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ ડો.અશોક સેઠે કહ્યું કે, 'તે અટલ છે અને ત્રીજી લહેર આવવાની છે. બૂસ્ટર ડોઝ માટે એક રોડમેપ, ખાસ કરીને એ લોકોની સુરક્ષા માટે બનાવવો જોઈએ, જે કોમરેડિડિટીઝ, ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ્ડ અને હેલ્થકેર વર્કર છે.' દેશભરમાં ઓમિક્રોનના કેસોમાં વધારાને જોતા તેમણે કહ્યું કે, આપણને ખરેખર જોખમ છે અને આપણને તૈયારીઓની જરૂરિયાત છે.

ઓમિક્રોન સંક્રમણ બાબતો પર ધ્યાન આપતા ડો. સેઠે કહ્યું કે, વેરિયન્ટ ઘણો જ સંક્રામક છે અને તે ઈમ્યુનિટીથી બચી જાય છે. ડો. સેઠે કહ્યું કે, બીમારીની ગંભીરતા સંપૂર્ણ રીતે વ્યક્તિના શરીરની પ્રતિરક્ષા પ્રતિક્રિયા સાથે સંબંધિત છે. ભારત એક વિશાળ દેશ છે અને હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓનો ભરાવો થઈ શકે છે. ડો. સેઠે ઓમિક્રોન મામલા સંબંધમાં ઈંગ્લેન્ડનું ઉદાહરણ આપતા કહ્યું કે, ઈંગ્લેન્ડમાં જે લોકોનું વેક્સિનેશન નથી થયું અને જેમની પ્રતિરક્ષા પ્રતિક્રિયા ખરાબ છે, તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવાઈ રહ્યા છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે, આ વેરિયન્ટ એક ઈમર્જન્સી સમસ્યા ઊભી નહીં કરે, જેના માટે ઓક્સિજનની જરૂર પડે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનું ઉદાહરણ આપતા ડો. સેઠે કહ્યું કે, 'દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસો ઝડપથી વધ્યા છે, પરંતુ મોત ઓછા થઈ રહ્યા છે. મને આશા છે કે, એવી જ સ્થિતિ આખી દુનિયામાં રહેશે.

(4:01 pm IST)