Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ફોર્ટિસ એકસોર્ટસ હાર્ટ ઈન્સ્ટીટયુટના અધ્યક્ષ ડો. અશોક શેઠના નિવેદનથી ચિંતા

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને આવતા કોઈ નહીં રોકી શકે

નવી દિલ્હી, તા.૧૬: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં એક ટોચના આરોગ્ય નિષ્ણાતનું નિવેદન ડરામણું છે. નિષ્ણાંતે કહ્યું કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે. તેમણે કહ્યું કે આને ટાળી શકાય નહીં. આ માટે, તેમણે સલાહ આપી છે કે લોકોની સલામતી માટે, બૂસ્ટર ડોઝને ધ્યાનમાં લેવાવો જોઈએ, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને.કોરોનાની ત્રીજી લહેર કેમ આવશે જ તે અંગે સમજાવતા ફોર્ટિસ એકસોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટીટ્યુટના અધ્યક્ષ ડો. અશોક શેઠે કહ્યું કે ઓમિક્રોન અત્યંત ચેપી છે અને તે રોગ પ્રતિકાર શકિતથી બચી જાય છે. બીમારીની ગંભીરતા સંપૂર્ણ રીતે કોઈના શરીરની રોગપ્રતિકાર શકિત સાથે સંબંધિત છે. ભારત એક વિશાળ દેશ છે અને હોસ્પિટલમાં ઘણા દર્દીઓ ભરેલા પડ્યાં છે.

દેશભરમાં ઓમિક્રોન કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતા ડોકટર અશોક શેઠે કહ્યું કે આપણે ખરેખરા જોખમમાં છીએ અને આપણે તૈયારીની જરુર છે.

દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસની સંખ્યા ૭૩ થઈ છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૩૨ છે. ભારતમાં જે રીતે પ્રતિદિન ઓમિક્રોનના કેસ આવી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે કે WHOના ભવિષ્યવાણી સાચી પડી છે. WHO ભાવી ભાખતા જણાવ્યું હતું કે ઓમિક્રોન ખૂબ ચેપી અને સંક્રમક હોવાથી ભારત સહિત દુનિયામાં તેના કેસ વધી શકે છે.બુધવારે કેરળમાં ૪ અને તમિલનાડુમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાવાની સાથે ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૭૩ પર પહોંચી છે.

(3:07 pm IST)