Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આપણા યોધ્ધાઓએ ૧૯૭૧માં વીરતાની અનોખી ગાથા લખી હતી : નરેન્દ્રભાઈ

રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલના સન્માન સમારોહમાં પીએમએ શહીદ જવાનોને શ્રદ્ઘાંજલિ અર્પી

નવી દિલ્હી તા. ૧૬ : ભારતે ૧૯૭૧ માં આજના જ દિવસે પાકિસ્તાનને યુધ્ધમાં ધૂળ ચટાડી હતી.આજે વિજય દિવસના અવસરે પીએમ મોદી રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલના સન્માન સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ ચાર મશાલો પ્રગટાવી હતી, જે અલગ-અલગ દિશામાં જશે. આ ચાર મશાલો સિયાચીન, કન્યાકુમારી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લોંગેવાલા, કચ્છના રણ, અગરતલા વગેરે સહિત દેશના ઘણા ભાગોમાં લઈ જવાશે.

આ યુધ્ધમાં શહીદ થયેલા જવાનોને તેમણે શ્રધ્ધાંજલિ આપી હતી.સાથે સાથે વિઝિટર બૂકમાં તેમણે લખ્યુ હતુ કે, સમગ્ર દેશ તરફથી હું ૧૯૭૧ના યુધ્ધના યોધ્ધાઓને સલામ કરૂ છું.નાગરિકોને તેમની વીરતા પર ગર્વ છે.આ યોધ્ધાઓએ વીરતાની અનોખી ગાથા લખી હતી.

તેમણે કહ્યુ હતુ કે, આજે ૧૯૭૧ યુધ્ધમાં ભારતીય સેનાના જવાનોની વીરતા અને બલિદાનને યાદ કરવાનો અવસર છે.સાથે સાથે બાંગ્લાદેશને આઝાદ કરવા માટે લડનારા લોકોને પણ સલામ.આપણે સાથે મળીને અત્યાચારી શકિતઓ સાથે લડાઈ લડીને વિજય હાંસલ કર્યો હતો.

રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ સન્માન સમારોહમાં હાજરી આપીને એક ટપાલ ટિકિટ રિલિઝ કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, ૧૯૭૧નું યુધ્ધ ભારતના સૈન્ય ઈતિહાસનો સોનેરી અધ્યાય છે.ભારતીય સેનાની ઉપલબ્ધિઓ પર આપણને ગર્વ છે.

(3:06 pm IST)