Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કમુરતા બેસતા જ સોની બજારોમાં વેપારમાં ૫૦ ટકા જેટલો ઘટાડો : એક મહિના સુધી માર્કેટમાં મંદીનો માહોલ રહેશે

ચહલ-પહલ ઓછી થઇ, વેચાણમાં ઘટાડો

અમદાવાદ, તા.૧૬:  કમુરતાનો સમયગાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં સોના અને સોનાના દાગીનાની માંગ ફરી એક વખત દ્યટી રહી છે. જવેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) ના અંદાજ મુજબ માંગમાં ૫૦% જેટલો ઘટાડો થવાને કારણે સમગ્ર શહેરમાં જવેલર્સની દુકાનો દિવસના મોટાભાગના સમયમાં માટે ખાલી ખાલી રહી હતી. લગ્નના દાગીનાની ખરીદી દ્યટવા સાથે એકંદરે વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

JAA ના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે, 'કમુરતાનો સમયગાળો ખરીદી અને લગ્નો અને અન્ય શુભ પ્રસંગો માટે અશુભ માનવામાં આવે છે.' તેમણે ઉમેર્યુ આ સમયગાળાની શરૂઆતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની માંગમાં દ્યટાડો થયો છે. વેડિંગ જવેલરીનું વેચાણ લગભગ શૂન્ય છે અને પરિણામે એકંદર વેચાણમાં ૫૦%નો ઘટાડો થયો છે.

નવેમ્બરમાં ગુજરાતમાં લગભગ ૫.૪૪ મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જવેલર્સના અંદાજો દર્શાવે છે કે ડિમાન્ડ દ્યટવાના પગલે ડિસેમ્બરમાં આયાત પણ ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં સોનાનો ભાવ ૪૯,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો.

સોનીએ જણાવ્યું હતું કે, ઙ્કઆ વર્ષે નવેમ્બરમાં સોનાની માંગ સારી હતી કારણ કે આ મહિનામાં દીવાળી જેવા તહેવારોની સિઝન અને ત્યાર બાદ લગ્નની સિઝન આવી હતી. જો કે, હવે અમને ફકત એવા ગ્રાહકો મળે છે કે જેઓ જુદા જુદા ફંકશનને લઈને હળવા વજનની જવેલરી ખરીદવા ઇચ્છે છે.

હકીકતમાં, સિક્કા અથવા બાર ખરીદીને સોનામાં રોકાણ કરવાનું વલણ ધરાવતા ગ્રાહકો પણ સોનાથી દૂર જતા રહ્યા છે. શહેર સ્થિત બુલિયન વેપારીએ જણાવ્યું હતું કે રોકાણકારો વધુ સારા વળતરની અપેક્ષાએ શેરબજાર તરફ વળ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે પીળી ધાતુના ભાવમાં થોડી વધદ્યટ થતી હોવાથી, રોકાણકારો ભાવની હિલચાલ પર નજર રાખી રહ્યા છે અને ખરીદી માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. સોની બજારના અંદાજો સૂચવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ જવેલરીની માંગ ઘટી છે. અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં રહેતા એક જવેલરે જણાવ્યું હતું કે, તાજેતરના કમોસમી વરસાદ અને પાક નિષ્ફળ જવાને કારણે થયેલા નુકસાનને પગલે લોકો સોનામાં પહેલાની જેમ રોકાણ કરતા નથી.

(3:00 pm IST)